
યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરના ભારત ખાતેના ટ્રેડ મિશન દરમિયાન થયેલી સમજૂતીઓ મુજબ ભારતની 64 કંપનીઓ આગામી સમયગાળામાં યુકેમાં આશરે 1 બિલિયન પાઉન્ડ ($1.75 બિલિયન પાઉન્ડનું રોકાણ કરીને રોજગારીની આશરે 7,000 તકો ઊભી કરશે, એમ સ્ટાર્મરની ઓફિસે જણાવ્યું હતું.
અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વડાપ્રધાનની ભારત મુલાકાત દરમિયાન થયેલા અનેક મોટા નવા સોદાઓને કારણે યુકેમાં લગભગ 7,000 નવી નોકરીઓનું સર્જન થશે. ૬૪ ભારતીય રોકાણકારોએ બ્રિટનના કેટલાંક સૌથી વિકસતા બિઝનેસમાં કુલ ૧.૩ બિલિયન પાઉન્ડના રોકાણની ડીલ કરીને યુકેમાં પોતાનો વિશ્વાસ સ્થાપિત કર્યો છે. આ રોકાણ દર્શાવે છે કે યુકે-ભારત વચ્ચેના વેપાર સોદાથી રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ભારતીય કંપનીઓ ખાસ કરીને એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને ક્રિયેટિવ ઉદ્યોગોમાં રોકાણ કરશે.
ભારત પહેલેથી જ યુકેનો બીજો સૌથી મોટો રોકાણકાર છે અને 1,000થી વધુ ભારતીય કંપનીઓ યુકેમાં કાર્યરત છે, જે લાખો યુકે નોકરીઓને ટેકો આપે છે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે આ રોકાણ યુકેના વૈશ્વિક દરજ્જા અને આર્થિક સંભાવનને પુષ્ટી આપે છે. સોલિહુલમાં ઇલેક્ટ્રિક વાહનોથી લઈને સમરસેટમાં અત્યાધુનિક કૃષિ-ટેક સુધી આ સોદા દર્શાવે છે કે અમારી પ્લાન ફોર ચેન્જ યોજના વાસ્તવિક પરિણામો આપી રહી છે. યુકે-ભારત વેપાર સોદો પહેલાથી જ વૃદ્ધિની નવી તકો ખોલી રહ્યો છે અને આજની જાહેરાતો આપણા બંને રાષ્ટ્રો વચ્ચે સહયોગના નવા યુગની શરૂઆત દર્શાવે છે.
ભારતની અગ્રણી ઓટો કંપની TVS મોટર તેના નોર્ટન મોટરસાયકલ્સના બિઝનેસના વિસ્તરણ અને આગામી પેઢીના ઇલેક્ટ્રિક વાહનો વિકસાવવા માટે સોલિહુલમાં £250 મિલિયનનું રોકાણ કરશે અને 300 નોકરીઓનું સર્જન કરશે. એન્જિનિયરિંગ કંપની સાયન્ટ સેમિકન્ડક્ટર્સ, જીઓસ્પેશિયલ ટેક, મોબિલિટી, ક્લીન એનર્જી અને ડિજિટલ ડોમેન્સમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે £100 મિલિયનનું રોકાણ કરી રહી છે, જેનાથી 300 નોકરીઓનું સર્જન થશે અને દેશમાં તેની લાંબા સમયથી રહેલી હાજરી મજબૂત થશે. વૈશ્વિક ડિજિટલ એન્જિનિયરિંગ કંપની માસ્ટેક લંડન અને લીડ્સમાં એક નવું AI અને એક્સપિરિયન્સ સેન્ટર ખોલવા માટે £2 મિલિયનનું રોકાણ કરી રહી છે, જે 75 એપ્રેન્ટિસશીપ સહિત 200 નવી રોજગારી ઊભી કરશે.
આ ઉપરાંત નિયોસેલ્ટિક ગ્લોબલ લિમિટેડ અદ્યતન ઓર્થોપેડિક અને રિહેબેલેશન સોલ્યુશન્સ પૂરા પાડવા £5 મિલિયનનું રોકાણ કરી રહી છે, જેનાથી લંડન અને કાર્ડિફમાં 85 નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે.અલ્કોર લોજિસ્ટિક્સ યુકે ઓપરેશન્સને નોન-વેસલ ઓપરેટર તરીકે સ્થાપિત કરવા માટે £4 મિલિયનના રોકાણ સાથે લિવરપૂલ અને લંડનમાં વિસ્તરણ કરશે, જેનાથી 250 નોકરીઓનું સર્જન થશે અને વૈશ્વિક સપ્લાય ચેઇન ક્ષમતાઓમાં વધારો થશે.
