સ્ટાર્મર
(DPR PMO/ANI Photo)

ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર સાથે મુંબઈમાં દ્વિપક્ષીય બેઠક યોજ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત અને યુકે કુદરતી ભાગીદારો છે અને વિશ્વમાં વધતી જતી અનિશ્ચિતતા વચ્ચે બંને દેશોના વધતા સંબંધો વૈશ્વિક સ્થિરતા અને આર્થિક પ્રગતિના મહત્વપૂર્ણ સ્તંભ છે. સ્ટાર્મરે પણ ભારત-યુકે ભાગીદારીને “ખાસ” ગણાવીને ભારતની આર્થિક વૃદ્ધિને નોંધપાત્ર લેખાવી હતી. બંને દેશોના વડાપ્રધાને મુક્ત વેપાર કરારને પરિવર્તનકારી ગણાવીને આવકાર્યો હતો.

વડાપ્રધાને મોદીએ પોતાના મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે જુલાઈમાં થયેલા ઐતિહાસિક ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારથી બંને દેશો વચ્ચે આયાત ખર્ચમાં ઘટાડો થશે, રોજગારની નવી તકો ઊભી થશે, વેપારને વેગ મળશે અને બંને દેશોના ઉદ્યોગો અને ગ્રાહકોને ફાયદો થશે. ભારત અને યુકે કુદરતી ભાગીદારો છે. આપણો સંબંધ લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો પર આધારિત છે. આજના વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં, આપણી વધતી ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને આર્થિક પ્રગતિના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભી છે.

બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર પણ પોતાના વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષ અને ગાઝાના મુદ્દાઓ પર, ભારત સંવાદ અને રાજદ્વારી દ્વારા શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. અમે ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ

બંને દેશો વચ્ચેના સંબંધો અંગે મોદીએ જણાવ્યું હતું કે ભારતની ગતિશીલતા અને યુકેની કુશળતાએ સાથે મળીને અનોખું તાલમેલ બનાવ્યું છે. આપણી ભાગીદારી વિશ્વસનીય છે તથા પ્રતિભા અને ટેકનોલોજી આધારિત છે.આજે હું અને પ્રધાનમંત્રી સ્ટાર્મર આ મંચ પર સાથે ઉભા છીએ, ત્યારે તે આપણા બંને રાષ્ટ્રોના લોકો માટે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે હાથ મિલાવીને કામ કરવાની આપણી સહિયારી પ્રતિબદ્ધતાની સ્પષ્ટ પુષ્ટિ છે.

બંને દેશો વચ્ચે વધતી જતી સંરક્ષણ ભાગીદારીનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે “અમે સંરક્ષણ સહ-ઉત્પાદન તરફ આગળ વધી રહ્યાં છીએ અને બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગોને જોડી રહ્યા છીએ.આપણા સંરક્ષણ સહયોગને એક ડગલું આગળ લઈ જઈને, અમે લશ્કરી તાલીમમાં સહયોગ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ભારતીય વાયુસેનાના ફ્લાઈંગ ઇન્સ્ટ્રક્ટર યુકેના રોયલ એરફોર્સમાં તાલીમ મેળવશે.

યુકેના ૧૨૫ અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગસાહસિકો અને શિક્ષણવિદોના પ્રતિનિધિમંડળ સાથે, સ્ટાર્મર બુધવારે સવારે બે દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યાં હતાં.

સ્ટાર્મરે જણાવ્યું હતું કે તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વેપાર સોદાની સંભાવનાને બમણી કરવાનો છે, આ કરાર એક વર્ષમાં અમલમાં આવવાની અપેક્ષા છે. મને અપેક્ષા છે કે આપણે ભવિષ્યના ક્ષેત્રોમાં હજારો ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન કરીને મોટા નવા રોકાણો સુરક્ષિત કરીશું.

સ્ટાર્મરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય બનવાની નવી દિલ્હીની લાંબા સમયથી ચાલતી ઇચ્છાને પણ સમર્થન આપતા જણાવ્યું હતું કે ભારતને આ સંસ્થામાં તેનું યોગ્ય સ્થાન મેળવવું જોઈએ.

બંને નેતાઓ ટેકનોલોજી, શિક્ષણ, સંરક્ષણ અને સુરક્ષા, એઆઈ અને અદ્યતન સંદેશાવ્યવહારમાં સહયોગમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની કોઇ વિગતો આપી ન હતી. અગાઉ, સ્ટાર્મરના કાર્યાલયે જણાવ્યું હતું કે 64 ભારતીય કંપનીઓ બ્રિટનમાં કુલ 1.3 બિલિયન પાઉન્ડ ($1.75 બિલિયન)નું રોકાણ કરશે

LEAVE A REPLY