(@MEAIndia/X via PTI Photo)

ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન યુકેના વડાપ્રધાન કે સ્ટાર્મરે જાહેરાત કરી હતી કે યુકેની નવ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે. આનાથી બંને દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રમાં સહકારમાં વધારો થશે. આ યોજના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. યુનિવર્સિટી ઓફ સરે ગુજરાતના ગિફ્ટ સિટીમાં તેનું ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ખોલશે. યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટર બેંગલુરુમાં બ્રાન્ચ કેમ્પસ ખોલશે.

મુંબઈના રાજભવનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક પછી સ્ટાર્મરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉચ્ચ શિક્ષણની માંગ ખૂબ જ વધારે છે. તેથી મને ખરેખર ખુશી છે કે ભારતમાં વધુ બ્રિટિશ યુનિવર્સિટીઓ કેમ્પસ સ્થાપશે, જેનાથી બ્રિટન ભારત ઉચ્ચ શિક્ષણનો અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રદાતા બનશે અને અમારા વિઝન 2035ને પૂર્ણ કરશે.

સ્ટાર્મરે જણાવ્યું હતું કે તાજેતરમાં હરિયાણાના ગુરુગ્રામમાં યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટને કેમ્પસ ખુલ્યા પછી યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટર અને યુનિવર્સિટી ઓફ સરેને નવા કેમ્પસ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષે યુનિવર્સિટી ઓફ યોર્ક, યુનિવર્સિટી ઓફ એબરડીન, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ, યુનિવર્સિટી ઓફ લિવરપૂલ, ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ અને યુનિવર્સિટી ઓફ કોવેન્ટ્રી પણ ભારતમાં કેમ્પસ ખોલશે.

ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં જણાવાયું હતું કે આજે જાહેર કરાયેલા નવા કેમ્પસને પગલે યુકે ભારતના હાયર એજ્યુકેશન ક્ષેત્રમાં સૌથી વધુ હાજરી ધરાવતો દેશ બનશે. તેનાથી વિદેશમાં યુકેની પ્રતિષ્ઠામાં મોટો વધારો કરશે. ભારતમાં આ વિસ્તરણના ભાગ રૂપે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર બ્રિટિશ અર્થતંત્રમાં 50 મિલિયન પાઉન્ડનું વધુ યોગદાન આપશે.

સ્ટાર્મરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મને આનંદ છે કે નજીકના ભવિષ્યમાં વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિશ્વસ્તરીય બ્રિટિશ શિક્ષણનો લાભ મેળવી શકશે – જે આપણા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે. આની સાથે યુકેના અર્થતંત્રને અને રોજગારી સર્જનને વેગ મળશે.

યુકેના એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપ્સને જણાવ્યું હતું કે ભારતમાં નવા કેમ્પસ ખોલવાથી વધુ યુવાનોને યુકે શિક્ષણનો લાભ લેવાની તક મળશે, સાથે સાથે આપણી યુનિવર્સિટીઓને પોતાના વતનમાં વાસ્તવિક વળતર મળશે

LEAVE A REPLY