
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવાર, 9 ઓક્ટોબરે મહેસાણામાં બે દિવસની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમીટનો ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતની ક્ષમતાઓને બહાર લાવવાનો છે. આ સમિટના પહેલા દિવસે રોકાણના આશરે 22 સમજૂતીપત્રો (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા હતાં. આ પ્રસંગે મુખ્યપ્રધાને રાજ્યના છ મુખ્ય આર્થિક ક્ષેત્રો માટે પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાનનું અનાવરણ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન હેઠળ રૂ.15 લાખ કરોડ (200 અબજ યુએસ ડોલરથી વધુ)ના જાહેર અને ખાનગી રોકાણોની યોજના બનાવવામાં આવી છે.
ખેરવા ગામની ગણપત યુનિવર્સિટીમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, અવકાશયાત્રી અને ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ તેમજ વિવિધ દેશોના રાજદૂતો અને વૈશ્વિક સંગઠનોના પ્રતિનિધિઓ શામેલ હતા. ઉત્તર ગુજરાતની બે દિવસની VGRCની થીમ ‘પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ’ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત ‘વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ’ના લક્ષ્યોને આવી પ્રાદેશિક પરિષદો દ્વારા સાકાર કરાશે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવાનું પ્રધાનમંત્રીનું વિઝન સ્થાનિક ઉદ્યોગોને ભાગ લેવાની તક આપે છે. આવી રિજનલ કોન્ફરન્સ વૈશ્વિક સ્તરે પ્રાદેશિક ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે.
આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પહેલા, મુખ્યમંત્રીએ આ જ કેમ્પસમાં આયોજિત ટ્રેડ શો અને એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું ઉત્તર ગુજરાત VGRCએ નવીનીકરણીય ઉર્જા, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જ્યારે સૌરાષ્ટ્રમાં આગામી VGRCમાં એન્જિનિયરિંગ, સિરામિક્સ, મત્સ્યઉદ્યોગ અને દરિયાઈ ઉત્પાદનોને આવરી લેવામાં આવશે.
આ પ્રસંગે, મુખ્યપ્રધાન રાજ્યના છ મુખ્ય આર્થિક ક્ષેત્રો, એટલે કે ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર અને સુરત માટે તૈયાર કરાયેલા પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાનનું અનાવરણ અને લોકાર્પણ કર્યું હતું. આ માસ્ટર પ્લાન ગુજરાતના અર્થતંત્રને તેના વર્તમાન કદ 280 બિલિયન ડોલરથી (નાણાકીય વર્ષ 2023) થી 3.5 ટ્રિલિયન ડોલરથી વધુ કરવા માટે તમામ 33 જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસનો એક રોડમેપ છે.
આ છ પ્રાદેશિક માસ્ટર પ્લાન હેઠળ 500થી વધુ પ્રોજેક્ટ્સમાં 15 લાખ કરોડ રૂપિયા (200 અબજ યુએસ ડોલરથી વધુ)ના જાહેર અને ખાનગી રોકાણોનું આયોજન કરવામાં આવ્યું છે.
