(ANI Photo)

કર્ણાટકની કેબિનેટે જાહેર સ્થળો, સ્કૂલ-કોલેજો અને સરકારી સંકુલોમાં RSS પ્રવૃત્તિઓ પર લગામ મૂકવા નિયમો બનાવવાનો નિર્ણય કરતાં વિવાદ ઊભો થયો હતો. ભાજપ કર્ણાટકની કોંગ્રેસની સરકારની આકરી ટીકા કરી હતી. જોકે ડાબેરી પક્ષોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનના સ્વયંસેવકોની કૂચ પર પણ પ્રતિબંધની હિલચાલ કરી હતી.

કર્ણાટકના પ્રધાન પ્રિયંક ખડગેએ પત્રકારોને જણાવ્યું કે અમે જે નિયમો લાવવા માંગીએ છીએ તે જાહેર સ્થળો, સરકારી શાળાઓ, કોલેજો, સરકારી પરિસર, સરકારી માલિકીની સંસ્થાઓ અને અનુદાન મેળવતી સંસ્થાઓ સંબંધિત છે. આગામી બે થી ત્રણ દિવસમાં નવો નિયમ કાયદા અને બંધારણના માળખામાં અમલમાં આવશે. અમે કોઈપણ સંગઠનને નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ હવેથી તમે જાહેર સ્થળોએ કે રસ્તાઓ પર જે ઈચ્છો તે કરી શકતા નથી. તમારે જે કંઈ કરવું હોય તે સરકારની પરવાનગી લીધા પછી જ કરવું પડશે.

રાજ્યના માહિતી ટેકનોલોજી અને બાયોટેકનોલોજી મંત્રી ખડગેએ અગાઉ આરએસએસ અને સંલગ્ન સંસ્થાઓની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતા પત્ર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને લખ્યો હતો. આ પત્રને આધારે કેબિનેટે આ નિર્ણય કર્યો છે.

ખડગેએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ કરવા માટે મંજૂરી આપવી કે નહીં તે સરકાર પર નિર્ભર રહેશે. પરવાનગી આપવા માટેના કેટલાંક માપદંડો છે. તમે ફક્ત અધિકારીઓને સૂચના આપીને લાકડીઓ લહેરાવતા રસ્તા પર ચાલી શકો નહીં અથવા પદ સંચલન (કૂચ) કાઢી શકતા નથી. આ બધી બાબતો અમે જે નિયમો રજૂ કરવા જઈ રહ્યા છીએ તેનો ભાગ હશે. ખડગેને તાજેતરમાં દાવો કર્યો હતો કે RSS કાર્યકર્તાઓ તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.

LEAVE A REPLY