હરણના શિંગડા લાવવાનો આરોપસર અટકાયતમાં રખાયેલા એક NRI સામેની કાર્યવાહી રદ કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની કાયદા અમલીકરણ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીની અટકાયત અને ધરપકડનું કડક પગલું ભરતા પહેલા તેમના અધિકારીઓને પ્રવર્તમાન કાયદાઓ અંગે પૂરતી જાણકારી આપવાની તાતી જરૂરિયાત છે.
આ અવલોકન કરીને સર્વોચ્ચ અદાલતે ઇટાલીમાં સ્થાયી થયેલા ભારતીય નાગરિક NRI રોકી અબ્રાહમ સામે ધરપકડ અને ફોજદારી કાર્યવાહી રદ કરી હતી. બે દાયકાથી ઇટાલીમાં રહેતા અબ્રાહમને જાન્યુઆરી 2025માં દિલ્હી એરપોર્ટ પરથી અટકાયતમાં લેવાયા હતાં. તેમના પર વન્યજીવન (સંરક્ષણ) ઉલ્લંઘન કરી હરણના શિંગડા લાવવાનો આરોપ મૂકાયો હતો. લગભગ બે સપ્તાહ સુધીમાં કસ્ટડીમાં રાખ્યા પછી તેમને ભારત છોડવા પર પ્રતિબંધ સહિતની કઠોર શરતો સાથે જામીન પર મુક્ત કરાયાં હતાં.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ડીએનએ વિશ્લેષણમાં પુરવાર થયું હતું કે અરજદાર પાસેથી મળેલી વસ્તુ રેન્ડીયરના શિંગડા હતાં, જે ભારતમાં જંગલ અથવા વન્યજીવન સંબંધિત કાયદાની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતાં નથી. આ અદાલતને લાગે છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની એજન્સીઓને આંતરરાષ્ટ્રીય પ્રવાસીની અટકાયત અને ધરપકડનું કડક પગલું ભરતા પહેલા પ્રવર્તમાન કાયદાઓ પ્રત્યે તેમના અધિકારીઓને સંવેદનશીલ બનાવવાની તાત્કાલિક જરૂરિયાત છે. આવું કોઈપણ પગલું ઉતાવળમાં ન લેવું જોઈએ અને યોગ્ય કાનૂની અભિપ્રાય અને વ્યવહારિક અભિગમ સાથે આગળ વધવું જોઈએ.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આવા પગલાંથી આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની પ્રતિષ્ઠા ખરાબ થાય છે, ઉપરાંત સંબંધિત અધિકારીઓના વર્તનથી માનવ અધિકારોની ગેરંટીનો પણ ભંગ થાય છે.
