
અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આપખુદ નીતિઓ અને બેલગામ ભ્રષ્ટચારના વિરોધમાં શનિવાર, 18 ઓક્ટોબરે દેશભરમાં લાખ્ખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. ‘નો કિંગ્સ’ નામના વિરોધ પ્રદર્શનમાં તમામ વય જૂથોના લોકો સામેલ થયા હતા અને ટ્રમ્પની નીતિઓની આકરી ટીકા કરી હતી. 2,600થી વધુ સ્થળોએ રેલીઓ કાઢવામાં આવી હતી અને તેમાં લાખ્ખો લોકો ઉમટી પડ્યાં હતાં. દેખાવકારોએ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના એજન્ડાને પડકાર્યો હતો. જોકે તમામ રેલીઓ એકંદરે શાંતિપૂર્ણ રહી હતી અને કોઇ જગ્યાએ સંઘર્ષના અહેવાલ મળ્યાં ન હતાં.
શનિવારની વિરોધી દેખાવનું આયોજન કરનાર પ્રગતિશીલ સંગઠન ઇન્ડિવિઝિબલના સહ-સ્થાપક, લીઆ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે અમેરિકામાં કોઇ કિંગ નથી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાના અમારા અધિકારનો ઉપયોગ કરવા કરતાં વધુ અમેરિકન કંઈ નથી.
ન્યુ યોર્ક સિટીનો પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેરમાં દેખાવકારોથી સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. આ ઉપરાંત ન્યૂ યોર્કના પાંચેય બરોમાં 100,000થી વધુ લોકો શાંતિપૂર્ણ રેલી કાઢી હતી. બોસ્ટન, ફિલાડેલ્ફિયા, એટલાન્ટા, ડેનવર, શિકાગો અને સિએટલમાં પણ દેખાવો યોજાયા હતાં, જેમાં હજારો લોકોની ભીડ જોવા મળી હતી.
વેસ્ટ કોસ્ટમાં લોસ એન્જલસ વિસ્તારમાં એક ડઝનથી વધુ રેલીઓ યોજાઈ હતી. સિએટલમાં, પ્રદર્શનકારીઓએ શહેરના સીમાચિહ્ન સ્પેસ નીડલની આસપાસ ડાઉનટાઉનથી સિએટલ સેન્ટર પ્લાઝા સુધી આશરે એક માઈલ લાંબી રેલી કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે સાન ડિએગોમાં 25,000થી વધુ લોકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો.
વોશિંગ્ટન ડીસીમાં યુએસ કેપિટોલ તરફ કૂચ કરવા માટે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. તેમણે હાથમાં યુએસ ફ્લેગ રાખીને સૂત્રોચ્ચાર કર્યા હતાં. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું માસ્ક પહેરેલા અને “નો વોનાબે ડિક્ટેટર્સ” લખેલું પોસ્ટર ધરાવતા એલિસ્ટન એલિયટે કહ્યું હતું કે “અમે લોકશાહી અને જે સાચું છે તેના માટે લડવા માટે અમારો ટેકો આપીએ છીએ. હું સત્તાના અતિરેકનો વિરોધ કરું છું.” હ્યુસ્ટનના ડાઉનટાઉનમાં સિટી હોલમાં લગભગ 5,000 લોકોની ભીડમાં જોવા મળી હતી.
ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “તેઓ મને રાજા તરીકે ઓળખાવી રહ્યા છે – હું રાજા નથી.” જોકે ટ્રમ્પે કેટલાંક AI-જનરેટેડ વિડીયો જારી કર્યા હતા અને તેમાં પોતાના કિંગ દર્શાવ્યાં હતાં.ઘણા રિપબ્લિકન નેતાઓ આક્ષેપ કર્યોહતો કે આવી રેલીના આયોજકો રાજકીય હિંસાને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઊભું કરવા માગે છે.
