
ત્રણ મેચોની વનડે શ્રેણીની 19 ઓક્ટોબરે પર્થમાં રમાયેલી વરસાદના વિધ્નવાળી પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને સાત વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી હતી. વારંવાર વરસાદને વિધ્નને કારણે મેચને 26 ઓવરની કરાઈ હતી. 26 ઓવરમાં ભારતે નવ વિકેટ ગુમાવીને 136 રન કર્યાં હતાં. ડકવર્થ લ્યુઈસ નિયમના આધારે ઓસ્ટ્રેલિયાને 131 રનનો ટાર્ગેટ અપાયો હતો. ઓસ્ટ્રેલિયાએ 21.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ સાથે, ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી અને માત્ર 21 રનના સ્કોર પર રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવી મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. કેપ્ટન શુભમન ગિલ પણ 10 રન બનાવીને નાથાન એલિસની બોલિંગમાં કેચઆઉટ થયો હતો. તેનાથી ભારતની 25 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી.
અક્ષર પટેલ અને કે.એલ. રાહુલ બાદ નીતિશ રેડ્ડીએ દમદાર બેટિંગ કરતા છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને 136 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
અક્ષર બાદ વોશિંગ્ટન સુંદર 10 રન , કે.એલ. રાહુલ 38 રન અને પછી હર્ષિત રાણા 1 રન બનાવીને આઉટ થઇ જતાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. અર્શદીપ સિંહ પણ 1 રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો.
આ સાથે વિરાટ કોહલીએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં વન-ડેમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હોય તેવી આ પહેલી ઘટના હતી. 224 દિવસ બાદ રોહિત અને કોહલી વનડે રમવા મેદાને ઉતર્યા હતાં અને તેમાંય બંનેએ કંગાળ દેખાવ કર્યો હતો.
