ચક્રવાતી વાવાઝોડું “મોન્થા” આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને મંગળવાર, 28 ઓક્ટોબરની સાંજે માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. આનાથી આંધ્રપ્રદેશમાં 90-100 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે, જેના કારણે સમગ્ર દરિયાકાંઠાના પ્રદેશને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર મોન્થા છેલ્લા છ કલાક દરમિયાન ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને એક ગંભીર ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું છે. આંધ્રપ્રદેશના દરિયાણા કિનારા પર અથડાયા પછી, ચક્રવાત મોન્થા કંઈક અંશે ધીમો પડું જશે અને ઓડિશા તરફ આગળ વધશે.
વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશનને સૌથી વધુ અસર થવાની ધારણા છે. આ ઉપરાંત ઓડિશા અને છત્તીસગઢ પણ પ્રભાવિત થશે. આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 28 થી 30 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ મધ્ય રેલ્વે અને પૂર્વ તટ રેલ્વેએ આગામી બે દિવસ માટે 100 થી વધુ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમને રાજ્યને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. સરકારે પાંચેય રાજ્યો – આંધ્રપ્રદેશ, ઓડિશા, પુડુચેરી, તમિલનાડુ અને છત્તીસગઢમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની 22 ટીમો તૈનાત કરી છે.
અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને રાહત શિબિરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. દરિયો તોફાની બનતો જાય છે અને ઉંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પ્રવાસીઓ માટે બધા દરિયાકિનારા બંધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન, ઓડિશા સરકારે સંવેદનશીલ સ્થળોએથી લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. દક્ષિણના આઠ જિલ્લાઓ જ્યાં “રેડ એલર્ટ” જાહેર કરવામાં આવ્યું છે ત્યાં હળવો વરસાદ પડી રહ્યો છે.













