ટોરી સાંસદ કેટી લેમનું રીફોર્મ યુકેનાા વલણ જેવું નિવેદન રેસિસ્ટ કે પછી પાર્ટીની નીતિનું પ્રતિબિંબ?

લેબર નેતાઓએ વિરોધ પક્ષના ઈરાદા ઉપર પ્રહારો કર્યા, નીતિ નિરીક્ષકે તેને ઈદી અમીનના વલણ સાાથે સરખાાવ્યું

કેન્ટના વિલ્ડના ટોરી સાંસદ કેટી લેમે દેશને “સાંસ્કૃતિક રીતે સુસંગત” બનાવી શકાય તે માટે બ્રિટનમાં કાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાનું સૂચન કર્યા પછી રાજકીય તોફાન થયું છે. “રેસીસ્ટ” અને ખૂબ જ ખતરનાક” ટિપ્પણીએ કન્ઝર્વેટિવ પાર્ટીને વિભાજીત કરી પાર્ટીમાં ઊંડી અસ્વસ્થતા ફેલાવી છે. ટોરી પક્ષ પોતાની ઇમિગ્રેશન નીતિ સમજાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે આ વિવાદે માઇગ્રેશન પર બ્રિટનની રાજકીય દિશા અંગે ચિંતાઓ ફરી ઉભી કરી છે. બીજી તરફ બ્રિટનભરના ચિંતીત માઇગ્રન્ટ સમુદાયો કહે છે કે લેમની ટિપ્પણીઓ વધુ ભેદભાવ તરફ દોરી શકે છે.

ટોરી પાર્ટીના ઉભરતા નેતા લેમે સન્ડે ટાઇમ્સને એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘’યુકેમાં મોટી સંખ્યામાં રહેવાનો અધિકાર ધરાવતા લોકોને ઘરે જવા કહેવું જોઈએ. આનાથી મહદઅંશે સંપૂર્ણપણે સાંસ્કૃતિક રીતે સુસંગત લોકોનો સમૂહ પાછળ રહી જશે.’’

ઘણા સાંસદોએ પાર્ટી વ્હીપ્સને ફરિયાદ કરી ચેતવણી આપી હતી કે આવી ભાષા મધ્યમ મતદારોને દૂર કરી શકે છે અને વિભાજનને બળતણ આપી શકે છે.

એક ટોરી સાંસદે ગાર્ડિયનને કહ્યું હતું કે “જો આપણે આવા શબ્દસમૂહોનો ઉપયોગ કરતા હોઇએ તો આપણે તેનો અર્થ શું છે તે સમજાવવાની જરૂર છે. ‘ઘરે જવા’નું તો જાતિવાદીઓ દ્વારા કહેવાય છે. કાનૂની સ્થળાંતર વિશે વાત કરતી વખતે આપણે તેનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ.”

બીજા વરિષ્ઠ ટોરી નેતાએ કહ્યું હતું કે ‘’લેમ પોતાને પાર્ટીના કટ્ટર જમણેરી પર શેડો જસ્ટીસ સેક્રેટરી રોબર્ટ જેનરિકના અનુગામી તરીકે સ્થાન આપી રહી હોય તેવું લાગે છે. તેણી ખૂબ આગળ વધી ગઈ છે.”

વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે લેમના નિવેદનને “ખૂબ ખોટું અને અપમાનજનક” ગણાવતા કહ્યું હતું કે “આ દેશમાં કાયદેસર રીતે કામ કરતા લોકો – આપણી શાળાઓ, હોસ્પિટલોમાં કામ કરતા, બિઝનેસ ચલાવતા – આપણા પડોશી છે. કહેવાતા સાંસ્કૃતિક કારણોસર માઇગ્રન્ટ્સને દૂર કરવા માંગતા હોવાનો અર્થ એ છે કે કન્ઝર્વેટિવ પાર્ટી કેટલી નીચે પડી ગઈ છે.”

સાઉથ એશિયન સોલિડેરિટી નેટવર્કના પ્રવક્તાએ કહ્યું હતું કે “આ નિવેદનો દાયકાઓથી અહીં રહેતા લોકોને ફરીથી અનિચ્છનીય લાગે છે. તે એવો સંદેશ મોકલે છે કે તમે ગમે તેટલું યોગદાન આપો, તમે ક્યારેય ખરેખર સભ્ય નહીં બનો.”

ઇન્ડિયન વર્કર્સ એસોસિએશન (ગ્રેટ બ્રિટન)ના જનરલ સેક્રેટરી સીતલ સિંહ ગિલે લેમની ટિપ્પણીઓને “જાતિવાદી અને ખતરનાક” ગણાવી કહ્યું હતું કે ‘’તેમના શબ્દો લાખો માઇગ્રન્ટ્સ પરનો સીધો હુમલો છે જેમણે બ્રિટનમાં પોતાનું જીવન બનાવ્યું છે, દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપ્યું છે અને તેની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. જે પરિવારો અહીં કાયદેસર રીતે આવ્યા છે, સખત મહેનત કરે છે, કર ચૂકવે છે અને આ રાષ્ટ્રમાં યોગદાન આપે છે તેઓ બ્રિટીશ છે. તેમને ‘ઘરે જવા’નું કહેવું એ માત્ર રેસીસ્ટ નથી, પરંતુ બ્રિટન જે મૂલ્યો માટે ઊભા રહેવાનો દાવો કરે છે તેનો વિશ્વાસઘાત છે.”

તેમણે ટોરી નેતા કેમી બેડેનોકને લેમ સામે કાર્યવાહી કરવા વિનંતી કરી, ચેતવણી આપી હતી કે નેતૃત્વ તરફથી જાળવવામાં આવનાર મૌનને ‘ભાગીદારી’ તરીકે જોવામાં આવશે.

લેમની ટિપ્પણીએ લોકોને યુકેમાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવાની મંજૂરી આપતા ILR – ઇમિગ્રેશન દરજ્જા અંગેની ટોરી પક્ષની નીતિ અંગેની મૂંઝવણ તરફ પણ ધ્યાન દોર્યું હતું. કેમ કે ટોરી પક્ષે એક ડ્રાફ્ટ ઇમિગ્રેશન બિલમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે જેમણે ગુનો કર્યો હોય, બેનીફીટનો દાવો કર્યો હોય અથવા છ મહિના કે તેથી વધુ સમય માટે £38,700 કરતા ઓછા કમાણી કરી હોય તેમના ILR રદ કરી શકાય છે.

બેડેનોકના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’લેમની ટિપ્પણીઓ મોટે ભાગે પક્ષની નીતિ સાથે સુસંગત છે.” શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલ્પ દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ બિલમાં “ચોક્કસ પરિસ્થિતિઓમાં અનિશ્ચિત મુદત સુઘી રહેવા ILRને રદ કરવાની એક કલમ શામેલ છે.’’

શું આ નિયમ પ્રસૂતિની રજા પર રહેતા લોકોને કે બીમારી અથવા પાર્ટ-ટાઇમ કામને કારણે થ્રેશોલ્ડથી નીચે કમાણી કરતા લોકો પર લાગુ થશે? જો કોઈ પરિવારના સભ્ય, બ્રિટિશ જીવનસાથી અથવા બાળક, બેનીફીટનો દાવો કરે તો તે વ્યક્તિ તેનો ILR ગુમાવી શકે છે કે કેમ તે અંગે પણ પ્રશ્નો રહે છે.

લેબરની ઇમિગ્રેશન બાબતોની નીતિની સમીક્ષા સમિતિના અધ્યક્ષ ટર્લીએ કહ્યું હતું કે ‘’આ દરખાસ્તો નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને દેશનિકાલ કરી શકે છે. આ દેશમાં વર્ષોથી કાયદેસર રીતે રહેતા, આપણા સમુદાયના ભાગ એવા લોકોના રહેવાના અધિકારને દૂર કરવાથી પરિવારો અને સમુદાયો તૂટી જશે, કાયદાના શાસનને નબળુ પડશે અને ન્યાયીપણા માટે આપણા દેશની પ્રતિષ્ઠાને નુકસાન થશે.”

ટીકાકાર કેનન મલિકે ધ ઓબ્ઝર્વરમાં ચેતવણી આપી હતી કે કાનૂની રીતે માઇગ્રેશન કરનારાઓને દેશનિકાલ કરવાનો લેમનો પ્રસ્તાવ “ઈદી અમીન પ્લેબુકમાંથી લેવાયેલું એક પગલું છે અને તે સરમુખત્યારશાહી શાસન સાથે સંકળાયેલું પગલું છે.

ટોરી પક્ષ બેડેનોકના નેતૃત્વ હેઠળ ચૂંટણી પછીની ઓળખને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે પક્ષના કેટલાક લોકો સ્થળાંતર પર કડક વલણ અપનાવવા માટે દબાણ કરી રહ્યા છે. કેટલાક ટોરી સાંસદોને ડર છે કે આ મુદ્દો પાર્ટીને વધુ જમણેરી બનાવી રહ્યો છે તો અન્ય લોકો તેને આગામી સામાન્ય ચૂંટણી પહેલા રિફોર્મ યુકેના મતદારોને આકર્ષિત કરવાના પ્રયાસ તરીકે જુએ છે. વર્ષોના આંતરિક વિભાજન અને ચૂંટણી પતન પછી તે પક્ષની વિશ્વસનીયતાને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

LEAVE A REPLY