અમેરીકાના ન્યૂ યોર્કના ક્વીન્સના સાઉથ ઓઝોન પાર્કમાં દિવાળી પ્રસંગે ફોડવામાં આવેલા ફટાકડાના કારણે ત્રણ ઘર તથા કેનેડાના એડમન્ટનમાં એક ઘર, ગેરેજ અને વાહન બળીને ખાખ થઈ ગયા હતા. તો નોર્થ કેરાલાઇનાના મોરિસવિલના ચર્ચ સ્ટ્રીટ પાર્કમાં ફટાકડા ફોડવાના કારણે ક્રિકેટના મેદાનને નુકશાન થયું હતુ. ન્યુ જર્સીના અધિકારીઓને પણ તે જ સાંજે ડઝનબંધ ફાયર કોલ મળ્યા હતા. સમગ્ર યુ.એસ.માં ફટાકડા ફોડવાની સમાન ઘટનાઓએ ચિંતા ફેલાવી છે. યુકેના હેરો, વેમ્બલી, કિંગસ્ટન, લેસ્ટર અને અન્ય વિસ્તારોમાં પણ દિવાળી પર્વે મોડી રાત સુધી ફટાકડા ફોડવાના બનાવોને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.
ન્યૂ યોર્કમાં ક્વીન્સના સાઉથ ઓઝોન પાર્કમાં, દિવાળી પ્રસંગે ફોડવામાં આવેલા ફટાકડાના કારણે સવારે 2:25 વાગ્યાની આસપાસ એક ઘરમાં આગ લાગી હતી. જેમાં ત્રણ ઘર બળીને ખાખ થઈ ગયા હતા અને રહેવાસીઓને મધરાત્રે ભાગવું પડ્યું હતું. ત્રણ રહેવાસીઓ બચી ગયા હતા, જો કે બે જણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પડોશીઓએ કલાકો સુધી ફટાકડા ફૂટવાનો અવાજ સાંભળ્યો હોવાની જાણ કરી હતી અને આગ લાગતા પહેલા તકલીફો અંગે 911 અને 311 પર ફોન કર્યો હતો. સર્વેલન્સ ફૂટેજમાં ઘરો અને લોકોની કાર નજીક ગેરકાયદેસર ફટાકડા ફૂટતા જણાયા હતા. પરિવારોએ લગભગ બધું ગુમાવ્યું હતું, જેમાં એક રહેવાસીએ કહ્યું હતું કે તેમને હોટેલમાં આશરો લેવો પડ્યો હતો. ફાયર અધિકારીઓએ કહ્યું હતું કે ન્યુ યોર્ક સીટીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે અને તેના ગંભીર સલામતી જોખમો અંગે ચેતવણી આપી હતી.
કેનેડાના એડમન્ટનમાં ફટાકડાના કારણે આગ લાગતા એક ઘર, ગેરેજ અને વાહનનો નાશ થયો હતો. ઘરમાલિકે જણાવ્યું હતું કે આગ ઝડપથી ફેલાઈ હતી અને આવી ઘટનાઓને રોકવા માટે ફટાકડાનો દંડ $1,000થી વધારીને $10,000 કરવા અધિકારીઓને વિનંતી કરી હતી. ગાયિકા ચિન્મયી શ્રીપાડાએ ભારતીય સમુદાયને ભોગ બનેલા પરિવારને ઘરના પુનઃનિર્માણમાં મદદ કરવા હાકલ કરી હતી, અને કહ્યું હતું કે સાંસ્કૃતિક ગૌરવ જવાબદારી સાથે આવવું જોઈએ.
કેનેડામાં અન્ય એક રહેવાસીના ઘરને પણ નુકસાન થયું હતું, જેમણે આ કૃત્યને “બેદરકારી અને મૂર્ખતા” ગણાવીને વખોડી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું ભારતીય છું, પરંતુ આજે મને શરમ આવે છે.” એડમોન્ટન પોલીસે રહેવાસીઓને યાદ અપાવ્યું હતું કે ફટાકડા ફોડવા માટે પરમિટની જરૂર હોય છે અને બાદમાં ત્રણ માણસો પર આગ લગાડવાનો આરોપ મૂક્યો હતો.
નોર્થ કેરાલાઇનાના મોરિસવિલના ચર્ચ સ્ટ્રીટ પાર્કમાં 21 ઓક્ટોબરે દિવાળી પ્રસંગે ગેરકાયદેસર રીતે ફટાકડા ફોડવામાં આવતા ક્રિકેટના મેદાનના એક ભાગને નુકશાન થયું હતુ અને મેદાનમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા. આ નુકસાનથી પહેલાથી આયોજીત રમતોમાં વિક્ષેપ પડ્યો હતો.
પાર્ક વાપરતા લોકોની સલામતીની ચિંતાના પગલે પોલીસ અધિકારીઓએ લોકોને યાદ અપાવ્યું છે કે મ્યુનિસિપલ પાર્ક અને ગ્રીનવે પર પરમિટ વિના ખાનગી રીતે કેટલાક પ્રકારના ફટાકડા ફોડવા નોર્થ કેરોલાઇનાના સ્થાનિક કાયદા હેઠળ ગેરકાયદેસર છે. એક નેઇબરહુડ જૂથે “મોરિસવિલ ઇન્ડિયન્સ”એ જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે પાર્કની સફાઈમાં સ્વયંસેવક તરીકે ભાગ લે છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને વધુ જવાબદારીપૂર્વક વર્તન કરવા હાકલ કરી હતી.
આડેધડ ફટાકડાઓ ફોડવાના કારણે બનેલી આ ઘટનાઓએ સાંસ્કૃતિક ઉજવણીને જાહેર સલામતી સાથે કેવી રીતે સંતુલિત કરવી તે અંગે નવી ચર્ચા શરૂ કરી છે. કેટલાક લોકો સાંસ્કૃતિક તહેવારો માટે નિયુક્ત સ્થળો અથવા પરમિટ દ્વારા નિયંત્રિત ફટાકડા જ ફોડવા જોઇએ તેમ સૂચવે છે, જે દર વર્ષે ચોથી જુલાઈના રોજ ફોડવામાં આવતા ફટાકડાનું નિયમન કરે છે. અન્ય લોકો રહેણાંક અને જાહેર સ્થળોએ ફટાકડાના બેજવાબદાર ઉપયોગને રોકવા માટે કડક અમલીકરણ અને ઉંચા દંડની માંગ કરે છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાક રહેવાસીઓએ સ્વીકાર્યું હતું કે આતશબાજીને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે.


 
            












