રિફોર્મ યુકેના રનકોર્ન અને હેલ્સબીના એમપી સારા પોચિને કરેલા “શ્યામ અને એશિયન લોકોથી ભરેલી જાહેરાતોથી પાગલ થઈ ગઈ છું’’ એવા જાતીવાદી નિવેદનોએ યુકેના એશિયન અને શ્યામ સમદાયોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. બ્રેન્ટ ઇસ્ટના લેબર સાંસદ ડોન બટલરે આ અઠવાડિયે કોમન્સમાં કેન્દ્ર સ્થાને રહીને સારા પોચિનની જાહેરાતોને “રેસીસ્ટ” ગણાવી હતી.
વિકેન્ડમાં ટોકટીવી પર પોચિને કહ્યું હતું કે “જ્યારે હું શ્યામ અને એશિયન્સથી ભરેલી ટીવી જાહેરાતો જોઉં છું, ત્યારે મને ગુસ્સો આવે છે. તે આપણા સમાજને પ્રતિબિંબિત કરતી નથી. તમારા સરેરાશ શ્વેત પરિવારનું… હવે પ્રતિનિધિત્વ કરવામાં આવતું નથી.’’ જો કે તે પછી તેમણે માફી માંગી કહ્યું હતું કે તેમનો મુદ્દો ‘ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યો છે’.
ડોન બટલરે પાર્લામેન્ટમાં કહ્યું હતું કે ‘’પોચિનની ટિપ્પણીઓથી હું સંપૂર્ણપણે નારાજ છું. તેમણે અન્ય સાંસદોના મતદારોને “રેસીસ્ટ” તરીકે દર્શાવીને આચારસંહિતાનો ભંગ કર્યો છે. હું આ ગૃહમાં એ વાતની પ્રશંસા કરું છું કે ખરેખર તેઓ એવા હોવા છતાય આપણે સંસદ સભ્યોનો અનાદર ન કરવો જોઈએ અને તેમને ખરેખર તેઓ શું છે તે કહેવું જોઈએ નહીં. આખરે, આ ટિપ્પણી એક રેસીસ્ટ કોમેન્ટ છે. તે ખૂબ જ વિચિત્ર છે કે હું તે સભ્યને રેસીસ્ટ ટિપ્પણી કરી હોવા છતાય રેસીસ્ટ કહી શકતી નથી, કારણ કે તેમણે જાતિવાદી છે. હું ફરીથી સંસદમાંથી બહાર ફેંકાવા માંગતી નથી, તેથી હું એ હકીકત પાછી ખેંચી લઈશ કે હું સંસદ સભ્યને તેમની જાતિવાદી ટિપ્પણીઓને કારણે જાતિવાદી કહી રહી છું.”
સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સારાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો વિરોધ કરતા રિફોર્મના નેતા અને ક્લેક્ટનના એમપી નાઇજેલ ફરાજે કહ્યું હતું કે ‘’સારા પોચિન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ‘ગંદી’ અને ખોટી હતી. હું માનતો નથી કે તેમની ટિપ્પણીઓ પાછળનો ‘ઈરાદો’ ‘રેસીસ્ટ’ હતો. તેણીએ જે કર્યું છે તેનાથી હું નાખુશ છું.”
આ મુકાબલાએ જાતિ, પ્રતિનિધિત્વ અને સંસદીય ભાષાની સીમાઓ વિશેની ચર્ચાને વેગ આપ્યો છે. બટલરની દખલગીરી વંશીય લઘુમતીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરતા જાહેર નેતાઓના નિવેદનો અને વર્તન પર લેબર પક્ષના કડક અભિગમનો સંકેત આપે છે, જે જાતિ, સમાનતા અને પ્રતિનિધિત્વના મુદ્દાઓ પર તેમની લાંબા સમયથી ચાલતી પ્રોફાઇલને મજબૂત બનાવે છે.


 
            












