હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાનું મંગળવાર, 4 નવેમ્બરે લંડનની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 85 વર્ષના હતાં. બિઝનેસ વર્તુળોમાં ‘જીપી’ તરીકે જાણીતા ગોપીચંદ પી. હિન્દુજા છેલ્લાં કેટલાક અઠવાડિયાથી બીમાર હતાં. તેઓ પરિવારમાં તેમની પત્ની સુનિતા, પુત્રો સંજય અને ધીરજ અને પુત્રી રીટાને વિલાપ કરતાં છોડી ગયા છે.
હિન્દુજા પરિવારની બીજી પેઢી ગોપીચંદે મે 2023માં તેમના મોટા ભાઈ શ્રીચંદના અવસાન બાદ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. બિઝનેસ વર્તુળોમાં ‘જીપી’ તરીકે જાણીતા તેમણે યુકેમાં હિન્દુજા ગ્રુપ અને હિન્દુજા ઓટોમોટિવ લિમિટેડ બંનેના ચેરમેન તરીકે સેવા આપી હતી.
ગોપીચંદ હિન્દુજાનો જન્મ 29 જાન્યુઆરી, 1940ના રોજ થયો હતો. જીપીએ 1959માં મુંબઈમાં ફેમિલી બિઝનેસમાં પોતાની સફર શરૂ કરી હતી અને ગ્રુપને પરંપરાગત ઇન્ડો મીડલ ઇસ્ટ ટ્રેડિંગ એન્ટરપ્રાઇઝમાંથી વૈશ્વિક મલ્ટી બિલિયન ડોલરનું ગ્રૂપ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમના નેતૃત્વ હેઠળ ગ્રુપે 1984માં ગલ્ફ ઓઇલ હસ્તગત કરી હતી અને ત્રણ વર્ષ પછી ભારતીય ઓટોમોટિવ કંપની અશોક લેલેન્ડને હસ્તગત કરી હતીસ જે ભારતમાં પ્રથમ મોટું NRI-આગેવાની હેઠળનું રોકાણ બન્યું હતું.
ગ્રુપની વેબસાઇટ મુજબ, જય હિંદ કોલેજ, મુંબઈના સ્નાતક (૧૯૫૯) તેમને વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી તરફથી કાયદાની માનદ ડોક્ટરેટ અને લંડનની રિચમંડ કોલેજમાંથી અર્થશાસ્ત્રની માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરાયા હતાં.
હિન્દુજા ગ્રુપમાં બેંકિંગ અને ફાઇનાન્સ, ઊર્જા, મીડિયા, ટ્રક, લુબ્રિકન્ટ્સ અને કેબલ ટેલિવિઝન સહિતના ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવે છે. વૈશ્વિક સ્તરે લગભગ 200,000 લોકોને રોજગારી આપતા આ ગ્રુપની સ્થાપના પરમાનંદ દીપચંદ હિન્દુજાએ 1919માં સિંધ (તે સમયે ભારતમાં, હવે પાકિસ્તાનમાં)માં કરી હતી. ૧૯૭૯માં બિઝનેસ સામ્રાજ્યએ લંડન શિફ્ટ કરાયું હતું.
હિન્દુજાના નિધન પર બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય રામી રેન્જરે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે હિન્દુજાને સૌથી દયાળુ, નમ્ર અને વફાદાર મિત્રો પૈકી એક ગણાવ્યા હતાં.
2025ની સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં ગોપીચંદ હિન્દુજાના પરિવારને 32.3 બિલિયન પાઉન્ડની નેટવર્થ સાથે યુકેમાં સૌથી ધનિક ગણાવવામાં આવ્યો હતો.
હિન્દુજા પરિવાર 2021માં લંડન કોર્ટરૂમ સુધી પહોંચેલા ઝઘડાને કારણે હેડલાઇન્સમાં ચમક્યો હતો. શ્રીચંદ હિન્દુજાની પુત્રી વિનુ અને શાનુએ તેમના ત્રણ કાકાઓ પર ભંડોળ અને નિર્ણય લેવામાં કાપ મૂકવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે શ્રીચંદ હિન્દુજા, જે એસપી તરીકે જાણીતા હતા, ડિમેન્શિયાથી પીડાતા હતાં.
ભત્રીજીઓના આરોપોનો જવાબ આપતા, ગોપીચંદ, પ્રકાશ અને અશોકે 2013માં ચાર ભાઈઓએ કરેલા કરારનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે “બધું જ બધાનું છે અને કંઈ પણ કોઈનું નથી”. આના કારણે બંને પક્ષોએ એકબીજા પર ખોટા આરોપ લગાવતા કૌટુંબિક વાતાવરણ ખરાબ બન્યું હતું.














