લંડનમાં વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ 2025માં ભારતના પ્રવાસન માટેના “ઇન્ક્રેડિબલ ઇન્ડિયા” અભિયાનમાં દેશના રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગોવાના મંત્રીઓએ યુકેમાં વસતા ભારતીય ડાયસ્પોરાને ભારતના સાંસ્કૃતિક દૂત તરીકે કાર્ય કરવા અપીલ કરી હતી.
ભારતના હાઈ કમિશન દ્વારા આયોજિત ટ્રાવેલર્સ પેરાડાઈઝ ઇવેન્ટમાં મંત્રીઓએ ભારતના વિવિધ રાજ્યોની વિશિષ્ટતાઓ રજૂ કરતા 15થી વધુ સ્ટોલ્સ સાથે ભારતની એકતામાં વિવિધતા ઉજાગર કરી હતી. ગત 4થી 6 નવેમ્બર દરમિયાન યોજાયેલા વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં ઇન્ડિયા પેવિલિયને ભારતના પ્રવાસન ક્ષેત્રની વૃદ્ધિ દર્શાવી હતી.
ગયા વર્ષે (2024માં) 20.57 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ભારત ગયા હતા. રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન દિયા કુમારીએ જણાવ્યું કે ભારત પાસે યોગ, આધ્યાત્મ, કિલ્લાઓ, મહેલો, ભોજન, સંસ્કૃતિ, નૃત્યો, તહેવારો બધું જ છે અને રાજ્યોમાં ખૂબ જ વૈવિધ્ય છે.
આંધ્રપ્રદેશના પ્રવાસન મંત્રી કંદુલા દુર્ગેશે કહ્યું હતું કે આ ફેરમાં બાકીના દરેક દેશનો એક સ્ટોલ હતો જ્યારે ભારતના 15થી વધુ સ્ટોલ હતા જે આપણું વૈવિધ્ય દર્શાવે છે. મધ્યપ્રદેશના પ્રધાન ધર્મેન્દ્રસિંહ લોધી અને ગોવાના રોહન ખુન્ટેએ પણ તેમના રાજ્યોની વિશિષ્ટતાઓ રજૂ કરી હતી. લોધીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘અતિથિ દેવો ભવ’ના સિદ્ધાંતો પર ભાર મુક્યો હતો.
ગોવાના મંત્રી ખુન્ટેએ જણાવ્યું કે રાજ્ય આંતરરાષ્ટ્રીય ડિજિટલ નોમેડ્સ માટે ઘરેથી કામ કરવા માટે ગોવા આદર્શ સ્થાન છે. તેમણે ‘મિશન વિકસિત ભારત 2047’ના ટ્રેડ, ટેકનોલોજી અને ટુરિઝમના ત્રણ T પર ભાર મૂક્યો હતો. પ્રવાસન મંત્રાલયના જણાવ્યા અનુસાર યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયા ભારત માટે ટોચના પ્રવાસન સ્ત્રોત દેશો છે અને 2024માં વિદેશી પ્રવાસીઓની આવકમાં વધારો થયો છે.
ભારતના પ્રવાસન મંત્રાલયના અંદાજ મુજબ, યુકે, યુએસ અને ઓસ્ટ્રેલિયા ભારતમાં આવતા પ્રવાસીઓ માટેના ટોચના સ્ત્રોત દેશોમાં સ્થાન ધરાવે છે. પ્રવાસન મંત્રાલયે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેનેડા જેવા અનેક મુખ્ય સ્ત્રોત દેશોમાંથી વિદેશી પ્રવાસીઓના આગમન (FTAs) માં 2024 માં વધારો નોંધાયો હતો.
યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે, “વર્લ્ડ ટુરિઝમ માર્કેટ કલા, સંસ્કૃતિ, અનુભવ, ભોજનને પ્રોત્સાહન આપવામાં અને આપણે જે બહુલ સાંસ્કૃતિક વિશ્વમાં જીવીએ છીએ તેને આકાર આપવામાં પ્રવાસન જે સેતુનું નિર્માણ અને જતન કરે છે તેના મહત્વ પર ભાર મૂકે છે.” તેમણે કહ્યું, “અમે હાલમાં વિશ્વના સૌથી મોટા ઉભરતા બજારોમાંના એક તરીકે ગર્વ અનુભવીએ છીએ, પરંતુ પ્રવાસનની વાત આવે ત્યારે અમે વિશ્વના સૌથી વધુ ઉભરતા બજારોમાંના એક છીએ. ભારતમાં દરેક પ્રકારનું પ્રવાસન શક્ય છે.”












