ચૂંટણી
(PTI Photo)

બિહાર વિધાનસભાની ચૂંટણીના મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડ મુજબ રાજ્યમાં ફરી એનડીએ ગઠબંધનની સરકારની રચના થવાના સંકેત મળી રહ્યાં છે. બીજી તરફ વિપક્ષ ગઠબંધનનો ચૂંટણી દેખાવ નબળો રહેવાની ધારણા છે. મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડ મુજબ રાજ્ય વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી એનડીએ ગઠબંધન 191 બેઠકો પર આગળ હતું, જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 50 બેઠકો પર આગળ હતું. રાજ્યમાં અન્ય પક્ષોના ઉમેદવારો 3 બેઠકો પર આગળ હતાં. વિધાનસભામાં બહુમતીનો જાદૂઈ આંકડો 122 બેઠકોનો છે.

રાજ્યમાં ખાસ કરીને મુખ્યપ્રધાન નીતિશકુમારની પાર્ટી જનતાદળ (યુનાઇટેડ) અને ભાજપના ગઠબંધન એનડીએ તથા લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે મુકાબલો છે. રાજ્યમાં થોડા વિપક્ષોને બાદ કરતાં છેલ્લાં 20 વર્ષથી નીતિશકુમાર મુખ્યપ્રધાન છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 6 નવેમ્બર (પહેલા તબક્કા) અને 11 નવેમ્બર(બીજા તબક્કા)નું મતદાન થયું હતું. બંને તબક્કાનું મળીને કુલ રેકોર્ડ 67.13 ટકા મતદાન થયું હતું.

એનડીએ ગઠબંધનમાં પણ રસાકસી જોવા મળી રહી છે. ભાજપ કરતા જેડીયુ આગળ નીકળી જતાં 76 બેઠક પર લીડ મેળવી હતી, જ્યારે ભાજપના ખાતામાં 69 બેઠક આવતી દેખાય છે. બીજી બાજુ આરજેડીને 59 બેઠક પર અને કોંગ્રેસને 16 બેઠક પર લીડ મળતી દેખાય છે. જ્યારે વીઆઈપી ફક્ત 3 બેઠક પર લીડ મેળવતી દેખાય છે.

રાજ્યની ચૂંટણી ખાસ કરીને RJD-કોંગ્રેસ સરકારના ‘જંગલ રાજ વિરુદ્ધ નીતિશકુમારના સુશાસન’ના મુદ્દા પર લડાઈ હતી. વિપક્ષી મહાગઠબંધને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને મુખ્યપ્રધાનના ચહેરા તરીકે રજૂ કર્યો હતો.
આ ચૂંટણીની એક નોંધપાત્ર વિશેષતા પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીની હાજરી રહી હતી. રાજકીય વ્યૂહરચનાકારમાંથી રાજકીય નેતા બનેતા પ્રશાંત કિશોરની પાર્ટી પ્રથમ વાર ચૂંટણી લડી હતી. જોકે કોઇ પ્રભાવ પાડી શકે નથી. બિહારનું રાજકારણ જાતિ આધારિત છે. જાતિ અને સમુદાયની વફાદારી મહત્વપૂર્ણ રહે છે. યાદવો, કુશવાહ, કુર્મી, બ્રાહ્મણો અને દલિતો મુખ્ય બેઠકોમાં પરિણામોને નક્કી કરતા હોય છે.

LEAVE A REPLY