યુકેના ઇન્ડો પેસિફિક બાબતોના પ્રધાન સીમા મલ્હોત્રા ગુરુવારે ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી પહોંચ્યાં હતાં. તેમની ત્રણ દિવસની મુલાકાતનો હેતુ તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલ યુકે-ભારત મુક્ત વેપાર કરાર (FTA)ને આગળ ધપાવવાનો છે, એમ બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું હતું. તેઓ તમિલનાડુમાં યુકેના એન્ટી વિઝા ફ્રોડ અભિયાનના બીજા તબક્કાનો પણ પ્રારંભ કરાવશે.
ત્રણ દિવસની મુલાકાતમાં તેઓ યુકે-ભારત વિઝન 2035 હેઠળ યુકે-ભારત ભાગીદારી ફરી જોખવંતી બનાવવાનો પ્રયાસ કરશે. પ્રવાસ દરમિયાન મલ્હોત્રા ચેન્નાઈ અને બેંગલુરુમાં કાર્યરત બ્રિટિશ બિઝનેસના વડાને મળશે, જેમાં ટેસ્કો, રેવોલટ અને બીટીનો સમાવેશ થાય છે તથા યુકે-ભારત એફટીએ તેમને કેવી રીતે વૃદ્ધિ કરવામાં અને યુકેમાં રોકાણ પાછું લાવવામાં મદદ કરી રહી છે તેની જાણકારી મેળવશે.
મલ્હોત્રાએ કહ્યું હતું કે ભારતીય મૂળના યુકેના પ્રધાન તરીકે નિમણૂક થયા પછી આટલી વહેલી ભારતની મુલાકાત લેવાનો આનંદ છે. તે યુકે માટે ભારતના મહત્વનું પ્રતિબિંબ છે અને યુકે-ભારત સંબંધોમાં પરિવર્તનશીલ વર્ષનો પુરાવો છે. અમારા સંયુક્ત યુકે-ભારત વિઝન 2035ના મૂળમાં સીમાચિહ્નરૂપ મુક્ત વેપાર કરાર છે. મારી મુલાકાત દરમિયાન હું અમારી પુનર્જીવિત ભાગીદારીની અસરની જાણકારી મેળવીશ.
તેઓ કર્ણાટક રાજ્યના ઉદ્યોગ પ્રધાન એમબી પાટિલ અને કર્ણાટક ઉચ્ચ શિક્ષણ પ્રધાન એમસી સુધાકર સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે જેમાં તેઓ અદ્યતન ઉત્પાદન, સંશોધન અને કૌશલ્ય સહયોગ અંગે ચર્ચા કરશે. તેઓ તમિલનાડુના ઉદ્યોગ, રોકાણ પ્રમોશન અને વાણિજ્ય પ્રધાન ટીઆરબી રાજાને મળશે અને ભવિષ્ય માટે તૈયાર ઉદ્યોગો માટે અદ્યતન ઉત્પાદન, ગ્રીન ટેકનોલોજી, નવીનતા-આધારિત રોકાણો અને કૌશલ્ય વિકાસમાં તકો અંગે ચર્ચા કરશે.
ચેન્નાઈમાં તેઓ તમિલનાડુમાં યુકેના એન્ટી વિઝા ફ્રોડ અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે. આ અભિયાનમાં ઉચું જોખમ ધરાવતા વિસ્તારોમાં લોકોનો સંપર્ક કરાશે. તેમાં તમિલ ભાષાના વોટ્સએપ ચેટબોટ શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે, જેથી લોકોને ફ્રોડ ઓળખવામાં અને છેતરપિંડી કરનારા એજન્ટોથી બચવામાં મદદ મળે.












