ગુજરાતમાં મતદાર યાદી સઘન સુધારા (એસઆઇઆર) દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે કામગીરી સંભાળી રહેલા ચાર શિક્ષકોના કામના કથિત ભારણને કારણે મોતથી ચકચાર મચી હતી. શિક્ષક અરવિંદ વાઢેરે સવારે લગભગ 6.30 વાગ્યે કોડીનાર તાલુકાના દેવલી ગામમાં પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી. તેમના પરિવારે દાવો કર્યો હતો કે SIRને કારણે માનસિક તણાવ અને થાકને કારણે તેમણે આવું અંતિમ પગલું ભર્યું હતું.
વાઢેર કોડીનારના છારા ગામની એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક હતા, અને તાજેતરમાં જ તેમને ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયત માટે BLO તરીકે ફરજ સોંપવામાં આવી હતી.
અગાઉ ગુરુવારે, રાજ્યના ખેડા જિલ્લામાં BLO તરીકે કાર્યરત એક શાળા શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. તેમના પરિવારે પણ અતિશય કામના ભારણ હોવાનો દાવો કર્યો હતો. ખેડાના કપડવંજ તાલુકાના જાંબુડી ગામના રહેવાસી બીએલઓ રમેશભાઈ પરમાર (૫૦)નું બુધવાર અને ગુરુવારની રાત્રે તેમના ઘરે ઊંઘમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.
આ ઘટના બાદ સરકારી પ્રાથમિક શિક્ષકોના સંગઠન, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં ચૂંટણી અધિકારીઓને મળ્યું હતું અને BLO તરીકે કામ કરતા શિક્ષકોને પડતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.













