સુપર રીચ પર જંગી ટેક્સ લાદવાની લેબર સરકારની દરખાસ્ત વચ્ચે ભારતીય મૂળના સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી એન મિત્તલે યુકે છોડવાનો નિર્ણય કર્યો હોવાનું રવિવારે યુકેના એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. મિત્તલ બ્રિટનમાં રહે છે અને દેશના સૌથી ધનિક અબજોપતિઓની યાદીમાં નિયમિત પણે તેમનું નામ ચમકે છે.
‘ધ સન્ડે ટાઇમ્સ’ના રીપોર્ટ મુજબ રાજસ્થાનમાં જન્મેલા મિત્તલ ટેક્સ હેતુ માટે સ્વિટ્ઝર્લૅન્ડના રહેવાસી છે અને હવે તેમના ભવિષ્યનો મોટાભાગનો સમય દુબઈમાં વિતાવશે. 2025ના ‘સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ’ મુજબ આર્સેલરમિત્તલ સ્ટીલવર્ક્સના સ્થાપકની કુલ સંપત્તિ અંદાજે 15.4 બિલિયન પાઉન્ડ છે અને તેઓ યુકેના સૌથી ધનિકોની યાદીમાં આઠમા ક્રમે છે.
આ અખબારે 75 વર્ષીય ઉદ્યોગપતિના નજીકના સૂત્રોનો ટાંકીને દાવો કર્યો છે કે બુધવારે નાણાપ્રધાન રાચેલ રીવ્સ બજેટ રજૂ કરે તે પહેલા પલાયન કરવાનારા અબજોપતિમાં હવે મિત્તલનો પણ સમાવેશ થયો છે. મિત્તલ દુબઈમાં પહેલેથી જ આલિશાન મકાન ધરાવે છે અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં આવેલા સુંદર નાયા ટાપુ પર ડેવલપમેન્ટ કરી રહ્યાં છે.
રીવ્સ બજેટમાં યુકેની તિજોરીમાં 20 બિલિયન પોઇન્ડના ગાબડાને પૂરવા માટે ધનિકો પર ટેક્સ લાદે તેવી શક્યતા છે. ગયા વર્ષના તેમના બજેટમાં કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો, પોતાના સાહસો વેચતા ઉદ્યોગસાહસિકો માટેની કરરાહતો ઘટાડો, વારસા પર પર નવો ટેક્સ લાદ્યો હતો.
આ વર્ષના બજેટમાં યુકે છોડનારાઓ પર 20 ટકા એક્ઝિટ ટેક્સની અટકળો ચાલી રહી છે અને તેનાથી ધનિકોમાં ફફડાટ ફેલાયો છે.
મિત્તલના આ પગલાથી પરિચિત એક સલાહકારે જણાવ્યું હતું કે કેપિટલ ગેઇન પર ટેક્સ કોઇ સમસ્યા નથી. મુશ્કેલી વારસા કરની છે. વિદેશના ઘણા શ્રીમંતો સમજી શકતા નથી કે તેમની બીજા દેશોમાં રહેલી સંપત્તિ સહિતની તમામ સંપત્તિ શા માટે વારસા ટેક્સ હેઠળ આવવી જોઇએ. આ સ્થિતિમાં લોકોને લાગે છે કે તેમની પાસે દેશ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.દુબઈ અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કોઈ વારસા કર નથી.














