બોલિવૂડમાં 65 વર્ષની લાંબી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિયન દ્વારા હિ-મેનની તરીકે પ્રખ્યાત બનેલા પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવાર, 24 નવેમ્બરે મુંબઈમાં અવસાન થયું હતું. તેમની ઉંમર 89 વર્ષ હતી. તેઓ 8 ડિસેમ્બર, 2025ના રોજ 90 વર્ષના થવાના હતાં. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી હતી. રાષ્ટ્રપતિ દ્વૌપતિ મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓ અને ફિલ્મ જગતની હસ્તીઓએ અભિનેતાના નિધન પર શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
પોલીસના નિવેદનમાં જણાવાયું છે કે ધર્મેન્દ્રનું આજે સવારે અવસાન થયું હતું અને મુંબઈના વિલે પાર્લે ઉપનગરમાં પવન હંસ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરાયાં હતાં. ધર્મેન્દ્રના જુહુ નિવાસસ્થાન હેમા માલિની, એશા દેઓલ, આમિર ખાન, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અંતિમ દર્શન કરવા આવી પહોચ્યાં હતાં. સલમાન ખાન અને તેના પિતા, પટકથા લેખક સલીમ ખાન પણ સ્મશાનગૃહમાં જોવા મળ્યાં હતાં.
તાજેતરમાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ રાખવામાં આવ્યા હોવાના પણ મીડિયામાં અહેવાલ આવ્યા હતાં. 11 નવેમ્બરે ઘણા મીડિયા હાઉસે તેમના નિધનના ખોટા સમાચાર આપ્યાં હતાં. પરંતુ અભિનેતાને બીજા જ દિવસે રજા આપવામાં આવી હતી અને ત્યારથી તેમની સારવાર ઘરે જ ચાલી રહી છે.
કરણ જોહર, કાજોલ, અજય દેવગણ અને કરીના કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર અભિનેતાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. કરણ જોહરે ધર્મેન્દ્રના મૃત્યુને એક યુગનો અંત ગણાવ્યો હતો.
૧૯૩૫માં પંજાબમાં જન્મેલા ધર્મેન્દ્ર સિંહ દેઓલની છ દાયકાની કારકિર્દીમાં તેમણે ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને હતો. “શોલે”, “ચુપકે ચુપકે”, “સત્યકમ”, “અનુપમા”, “સીતા ઔર ગીતા” અને બીજી ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એક્શન, રોમાંસ અને કોમેડીમાં તેમની વૈવિધ્યસભર પ્રતિભા માટે તેઓ પ્રખ્યાત બન્યાં હતાં.
ધર્મેન્દ્રના પરિવારમાં તેમની પત્ની પ્રકાશ કૌર, હેમા માલિની, પુત્રો સની અને બોબી દેઓલ અને પુત્રીઓ વિજયા, અજીતા, એશા અને આહના છે.
1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે સાથે ફિલ્મી સફરની શરૂઆત કરનાર ધર્મેન્દ્રએ 1960ના દાયકામાં અનપઢ, બંદિની, અનુપમા અને આયા સાવન ઝૂમ કે જેવી ફિલ્મોમાં સામાન્ય માણસની ભૂમિકા ભજવી હતી. આ પછી તેમણે શોલે, ધરમ વીર, ચુપકે ચુપકે, મેરા ગાંવ મેરા દેશ અને ડ્રીમ ગર્લમાં યાદગાર મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધર્મેન્દ્ર છેલ્લે શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં જોવા મળ્યાં હતાં.તાજેતરમાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ રાખવામાં આવ્યા હોવાના પણ મીડિયામાં અહેવાલ આવ્યા હતાં.














