પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુકે સરકાર હોમ સેક્રેટરી (ગૃહ પ્રધાન) શબાના મહમૂદે ગયા સપ્તાહે ગુરુવારે જાહેર કરેલા ઇમિગ્રેશન નિયમોના સૂચિત વ્યાપક સુધારાના ભાગરૂપે, ટોચની કમાણી કરનારા અને પસંદગીના ઉદ્યોગસાહસિકોને ફક્ત ત્રણ વર્ષમાં દેશમાં કાયમી વસવાટની (પીઆર) મંજૂરીનો પ્રસ્તાવ મૂક્યો છે.

જાહેર પરામર્શ માટે બહાર પડાયેલી આ દરખાસ્તો હેઠળ, જે વિઝા ધારકો વાર્ષિક £૧,૨૫,૦૦૦થી વધુ કમાણી કરતા હોય તેઓ હાલના પાંચ વર્ષના બદલે ફક્ત ત્રણ વર્ષ પછી અનિશ્ચિત મુદત માટે રહેવાની મંજુરી (Indefinite Leave to Remain – ILR) માટે અરજી કરી શકશે.

સરકારે મોટા ભાગના કાયદેસરના ઈમિગ્રન્ટ્સ માટેની પીઆરની મુદત વધારીને ૧૦ વર્ષ કરવાની પણ દરખાસ્ત મુકી છે. તે મુજબ £૫૦,૦૦૦ થી £૧,૨૫,૦૦૦ સુધીની આવક ધરાવતા લોકો માટે પાંચ વર્ષની રાહ જોવાની અવધિ ચાલુ રહેશે.

ILR માટેના અરજદારોએ હવે સખત માપદંડોનું પાલન કરવાનું રહેશે, જેમાં A-લેવલ સ્ટાન્ડર્ડનું અંગ્રેજીનું જ્ઞાન, નેશનલ ઇન્શ્યોરન્સ કોન્ટ્રીબ્યુશન, રાજ્યનું કોઈ દેવું તેમના માથે ની હોવું અને સ્વચ્છ ગુના રહિત રેકોર્ડનો સમાવેશ થાય છે. મહમૂદે સાંસદોને જણાવ્યું હતું કે, “આ દેશમાં કાયમ માટે સ્થાયી થવું એ કોઈ અધિકાર નથી, એક વિશેષાધિકાર છે — અને તે પ્રાપ્ત કરવો પડે.”

આ દરખાસ્તો ઈમિગ્રેશનના નિયમો કડક બનાવવાની વ્યાપક યોજનાનો ભાગ છે. તેમાં ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને વિઝાની મુદત કરતાં વધુ સમય રોકાયા હોય તેવા લોકોને માટે ILRની અરજી કરવાનો સમયગાળો વધારીને ૩૦ વર્ષ કરવાની તથા વેલફેર બેનિફિટ્સનો ઉપયોગ કર્યો હોય તેમના માટે ૨૦ વર્ષ કરવાની પણ દરખાસ્ત છે.

ડૉક્ટરો અને નર્સોને લાંબી મુદતમાં મુક્તિ અપાશે, તેમના માટે સ્થાયી થવા માટેનો વર્તમાન પાંચ વર્ષનો સમયગાળો યથાવત રહેશે.

LEAVE A REPLY