હોંગકોંગમાં આઠ બહુમાળી ઇમારતોમાં બુધવાર, 27 નવેમ્બરે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 55 લોકોના મોત થયા હતા અને સેંકડો લાપતા બન્યાં હતાં. તેનાથી મૃત્યુઆંકમાં મોટો વધારો થવાની આશંકા છે. 2,000 એપાર્ટમેન્ટ ધરાવતાં હાઉસિંગ સંકુલમાં લાગેલી આ આગને દાયકાઓની સૌથી ભીષણ માનવામાં આવે છે. આ અગ્નિકાંડથી સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો હતો.
ગુરુવારે વહેલી સવારે પોલીસે જણાવ્યું હતું કે તેઓએ આગના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી, કારણ કે મેન્ટેન્સ કાર્ય દરમિયાન જ્વલનશીલ પદાર્થો છોડી દેવાને કારણે આગ કાબૂની બહાર ઝડપથી ફેલાઈ ગઈ હતી.
ઉત્તરીય જિલ્લામાં તાઈ પોમાં વાંગ ફુક કોર્ટના 31 માળના એપાર્ટમેન્ટ બ્લોક પર સમારકામ ચાલી રહ્યું હતું અને વાંસના મંચ બનાવામાં આવેલા છે. આ સમારકામ દરમિયાન આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ફાયર સર્વિસના ડિરેક્ટર એન્ડી યેંગના જણાવ્યા અનુસાર, મૃતકોમાં એક 37 વર્ષીય ફાયર ફાઇટરનો પણ સમાવેશ થાય છે, જેનો સાથીદારો સાથે સંપર્ક તૂટી ગયાના અડધા કલાક પછી ચહેરો બળી ગયો હતો.
સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે 56 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સોળ લોકોની હાલત અંતિ ગંભીર છે, 24 લોકોની હાલત ગંભીર છે અને 16 લોકોની હાલત સ્થિર છે. આ આગને કારણે ઓછામાં આછા 279 લોકો લાપતા બન્યા હતા. 900થી વધુ લોકોએ કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લીધો હતો. રાજ્ય મીડિયા અનુસાર, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.













