તાજેતરના એક સર્વે અનુસાર, યુકેમાં વંશીય લઘુમતીઓ હવે ઇંગ્લેન્ડના ધ્વજને રેસિઝમનું પ્રતીક માનવા લાગ્યા છે. ‘ઓપરેશન રેઇઝ ધ કલર્સ’ નામના ઓનલાઈન “દેશભક્તિ” અભિયાને લોકોને ઉનાળા દરમિયાન સમગ્ર ઇંગ્લેન્ડમાં દેશભક્તિના ધ્વજ લહેરાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
હવે, ઓક્ટોબરમાં કરાયેલા YouGov પોલ મુજબ, વંશીય લઘુમતી વયસ્કોના મોટાભાગના – 52% લોકો એવું માને છે કે સેન્ટ જ્યોર્જનો ધ્વજ (St George’s flag) રેસિઝમનું પ્રતીક બની ગયો છે.
આ વર્ષે ઓગસ્ટથી બ્રિટનભરમાં દેશભક્તિ દર્શાવવા માટે આ ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા, જેમાં શેડો જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ જેનરિકે આ ચળવળના સમર્થનમાં તેમના ન્યુઆર્ક મતવિસ્તારમાં યુનિયન ધ્વજ પણ ફરકાવ્યા હતા.
બ્રિટનભરની કાઉન્સિલોએ લેમ્પપોસ્ટ પરથી ઇંગ્લેન્ડ અને યુનિયન ધ્વજ હટાવવા કાર્યવાહી કરી અને સર્કલ્સ (રાઉન્ડેબાઉટ્સ) પર સેન્ટ જ્યોર્જના ધ્વજના નિશાનો પર રંગ લગાવી દીધો, ત્યારે રોષ ફેલાયો હતો. ડોર્સેટમાં અનેક નાના રાઉન્ડેબાઉટ્સ ઉપર સેન્ટ જ્યોર્જના ક્રોસ જેવી નિશાનીઓ બનાવવામાં આવી હતી, જેને કાઉન્સિલે “ટાર્ગેટેડ તોડફોડ” ગણાવી હતી.
બર્મિંગહામમાં, લેબરના શાસન હેઠળની કાઉન્સિલે 2023માં નાદારી જાહેર કરી હતી અને હાલમાં તે કચરાનો નિકાલ કરનારાઓની હડતાલ સામે ઝઝૂમી રહી છે – તેણે દાવો કર્યો કે ધ્વજ પગપાળા ચાલનારાઓ અને વાહનચાલકોના જીવનને “જોખમમાં” મૂકે છે. સત્તાવાળાઓએ લેમ્પ પોસ્ટ્સ અને અન્ય શેરી ફર્નિચરમાંથી સેંકડો ધ્વજ દૂર કર્યા હતા.
ટીકાકારોએ કાઉન્સિલો પર “બેવડા પક્ષપાત”નો આરોપ મુકતા કહ્યું હતું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત પછી મહિનાઓ સુધી પેલેસ્ટિનિયન ધ્વજ ઉતારાયા નહોતા.
યુગોવના તાજેતરના પોલમાં જાણવા મળ્યું છે કે વંશીય લઘુમતી વયસ્કોમાંથી 47% લોકોએ કહ્યું હતું કે જે લોકો ઘરે સેન્ટ જ્યોર્જનો ધ્વજ ફરકાવે છે તેઓ ઈમિગ્રન્ટ્સ વિરોધી અથવા વંશીય લઘુમતી વિરોધી લાગણી વ્યક્ત કરવા આવું કરે છે. તો ગોરા વયસ્કોમાંથી 40 ટકા લોકો આ વાત સાથે સંમત થયા હતા. પાકિસ્તાની અથવા બાંગ્લાદેશી સમુદાયના લોકોમાં ધ્વજના મુદ્દે કે 68 ટકા લોકો માનતા હતા કે સેન્ટ જ્યોર્જનો ધ્વજ વંશીય પ્રતીક બની ગયો છે. અડધાથી ઓછા અશ્વેત વયસ્કો પણ આ જ માનતા હતા.
જોકે, 2024ના મોટાભાગના લેબર મતદારો – 58% – માનતા હતા કે ઇંગ્લેન્ડનો ધ્વજ વંશીય પ્રતીક બની ગયો છે, જ્યારે માત્ર 19% ટોરી મતદારો અને 8% રીફોર્મ મતદારો એ બાબતે સંમત હતા.











