ભારતમાં મતદાર યાદીમાં વિશેષ સઘન સુધારા (SIR)ના મુદ્દે વિપક્ષના હોબાળા વચ્ચે સોમવાર, પહેલી ડિસેમ્બરેથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો હતો. 15 દિવસના શિયાળુ સત્રમાં NDA સરકારે 14 બિલો રજૂ કરી સુધારાના એજન્ડાને આગળ ધપાવની યોજના બનાવી હતી. વિપક્ષની ધાંધલધમાલ વચ્ચે ચોમાસુ સત્ર ધોવાઈ ગયા પછી સરકારે ખાનગી ક્ષેત્ર માટે પરમાણુ ઊર્જા સત્રને ખુલ્લુ મૂકવાના એટમિક એનર્જી બિલ અને દેશમાં હાયર એજ્યુકેશન કમિશનની સ્થાપના માટેના બિલ સહિતના શ્રેણીબદ્ધ બિલો રજૂ કરવાની યોજના બનાવી છે.
શિયાળુ સત્રના પ્રારંભ પહેલા રવિવારે સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષોએ SIR અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ચર્ચાની માગણી કરી હતી. SIRના મુદ્દે સમગ્ર વિપક્ષ એકજૂથ બન્યો હતો અને જો તે મુદ્દે ચર્ચા નહીં થાય તો સંસદના બંને ગૃહો ખોરવી નાંખવાની ચીમકી આપી હતી. જોકે સરકારે SIR અંગે ચર્ચાની કોઇ બાંયધરી આપી ન હતી.
સર્વપક્ષીય બેઠકમાં 36 પક્ષોના 50 નેતાઓએ હાજરી આપી હતી. તેમાં SIRનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. વિપક્ષી નેતાએ દિલ્હી વિસ્ફોટને પગલે રાષ્ટ્રીય સુરક્ષા અને શ્રમ સંહિતા જેવા અન્ય ઘણા મુદ્દાઓ પણ ઉઠાવ્યાં હતાં. કેટલાંક નેતાઓ સંઘવાદનો મુદ્દો ઉઠાવીને આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલો રાજ્ય વિધાનસભાઓએ પસાર કરેલા બિલોને લટકાવી રાખે છે અને વિપક્ષ શાસિત રાજ્યોના ભંડોળ અટકાવવામાં આવે છે.
બે કલાક લાંબી બેઠક પછી સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું હતું કે સંસદ સ્થગિત ન થવી જોઈએ અને તે સરળતાથી ચાલવી જોઈએ. આ સંસદનું શિયાળુ સત્ર છે અને દરેક વ્યક્તિએ ઠંડા મનથી વિચારવું જોઈએ અને વર્તન કરવું જોઈએ. SIR પર ચર્ચા માટે વિપક્ષની માંગ સ્વીકારવામાં આવશે કે નહીં તેવા સવાલના જવાબમાં રિજિજુએ કહ્યું હતું કે સત્રનો એજન્ડા આજે સાંજે બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) નક્કી કરશે.
સર્વપક્ષીય બેઠકને માત્ર ઔપચારિકતા ગણાવી કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે વિપક્ષ સાથે કોઈ પણ પ્રકારની સલાહ-મસલત કર્યા વગર ચર્ચા માટે વિષયોની યાદી બનાવી પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. 15 દિવસનું આ સત્ર સંસદીય ઇતિહાસમાં સૌથી ટૂંકું હશે અને મોદી સરકારે 13 બિલો પસાર કરવાની યોજના બનાવી છે.














