(Photo by Win McNamee/Getty Images)

જેરોધાના સ્થાપક નિખિલ કામથ સાથે પોડકાસ્ટમાં વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્કે ખુલાસો કર્યો હતો કે તેમની પાર્ટનર શિવોન ઝિલિસ ‘હાફ ઇન્ડિયન’ છે અને તેમના એક પુત્રનું મિડલ નેમ શેખર છે.

મસ્કે જણાવ્યું હતું કે મને નથી ખબર કે તમે કે બીજા કોઈને આ બાબતની ખબર છે, પરંતુ શિવોન ઝિલિસ ‘હાફ ઇન્ડિયન’ છે. એટલું જ નહીં અમારા બાળકોમાંથી એક દીકરાના નામમાં મિડલ નામ શેખર છે. આ નામ ભારતીય અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી રાખવામાં આવ્યું છે.

સ્પેસએક્સના માલિકે શિવોન ઝિલિસના પરિવાર અને તેમના પૈતૃક ઇતિહાસ વિશે પણ જાણકારી આપતા જણાવ્યું હતું કે શિવોનનો ઉછેર કેનેડામાં થયો હતો. તે નાની હતી ત્યારે એક કપલે તેને દત્તક લીધી હતી. ઝિલિસ અને મસ્કને ચાર બાળકો છે: જોડિયા સ્ટ્રાઈડર અને એઝ્યોર, એક પુત્રી અર્કાડિયા અને એક પુત્ર સેલ્ડન લાઈકર્ગસ. ઝિલિસ મસ્કની માલિકીની કંપની ન્યુરાલિંકમાં ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડાયરેક્ટર છે.

ઝિલિસ ભારતમાં રહી છે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તે નાની હતી ત્યારે જ તેને દત્તક લેવામાં આવી અને તેનો ઉછેર કેનેડામાં થયો છે. મને વધુ જાણકારી નથી.

કામથના પોડકાસ્ટના એપિસોડમાં મસ્કે કહ્યું કે અમેરિકાને પ્રતિભાશાળી ભારતીયોથી ઘણો ફાયદો થયો છે.અમેરિકા ભારતની પ્રતિભાનો ખૂબ જ લાભાર્થી રહ્યો છે, પરંતુ હવે તે બદલાઈ રહ્યું હોય તેવું લાગે છે.

LEAVE A REPLY