સરકારે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે વિજય માલ્યા અને નીરવ મોદી સહિત 15 વ્યક્તિઓને ભાગેડુ આર્થિક ગુનેગાર (FEO) જાહેર કરાયા છે અને તેમની પાસેથી ભારતની બેન્કોએ આશરે રૂ.58,000 કરોડ વસૂલ કરવાના બાકી છે. આ 15 આર્થિક ગુનેગારો પાસેથી જપ્ત કરેલી સંપત્તિઓની હરાજી અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ અત્યાર સુધી બેન્કોએ કુલ રૂ.19,187 કરોડની વસૂલાત કરે છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે નીરવ મોદી, વિજય માલ્યા, નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સહિત 15 વ્યક્તિઓને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરાયા છે. આ 15 ભાગેડુઓએ 31 ઓક્ટોબર 2025 સુધીમાં બેંકોને કુલ રૂ. 26,645 કરોડનું મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ ભાગેડુઓના ખાતા NPA જાહેર થયાની તારીખથી 31 ઓક્ટોબર 2025 સુધીમાં તેમના દેવા પર વ્યાજ તરીકે વધારાનું રૂ.31,437 કરોડનું નુકસાન થયું છે.
તેમણે વધુમાં કહ્યું કે, સરકારે આ ભાગેડુ આર્થિક ગુનેગારોની સંપત્તિઓ જપ્ત કરવાની અને વેચવાની કાર્યવાહીને વધુ ઝડપી બનાવી છે. 31 ઓક્ટોબર 2025 સુધીમાં આ 15 વ્યક્તિઓ પાસેથી જપ્ત કરેલી સંપત્તિઓની હરાજી અને અન્ય કાનૂની પ્રક્રિયાઓ દ્વારા કુલ રૂ.19,187 કરોડની રકમ બેંકોને પાછી મેળવી આપવામાં આવી છે.














