
26 નવેમ્બર 2025ના રોજ, ચાન્સેલર રેચલ રીવ્સે ઓટમ બજેટનું અનાવરણ કર્યું હતું જેમાં નાણાકીય ખાધને ભરવા અને સરકારને ભવિષ્યના આર્થિક આંચકાઓ માટે “હેડરૂમ” આપવાના ઇરાદે ટેક્સ, બેનીફીટ અને જાહેર ખર્ચમાં વ્યાપક ફેરફારો રજૂ કરવામાં આવ્યા હતા. આ બજેટનો હેતુ આ સંસદ દરમિયાન વધારાના કરમાં લગભગ £26 બિલિયન એકત્ર કરવાનો છે, જે ટેક્સનો બોજ યુદ્ધ પછીના ઉચ્ચ સ્તરે પહોંચાડશે.
કરવેરા વધારાની સામે ચાન્સેલર રીવ્સે સામાજિક અને વેતન-સંબંધિત પગલાંના મિશ્રણની પણ જાહેરાત કરી, જાહેર નાણાકીય બાબતોને મજબૂત બનાવતી વખતે ઘરો પરના બોજને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બજેટમાં સૌથી મોટા પગલાઓમાંનું એક ઇન્કમ ટેક્સ અને નેશનલ ઇન્સ્યુરંશ પરના થ્રેશહોલ્ડ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ છે, જે 2031 સુધી લંબાવવામાં આવ્યો હતો. તેનો અર્થ એ કે જેમ જેમ વેતન વધશે, તેમ તેમ વધુ લોકો આવકવેરો ભરવા માટે આકર્ષાશે – અને ઘણા લોકો સમય જતાં ઊંચા ટેક્સ સ્લેબમાં ધકેલાઈ શકે છે. જો કે આવકવેરો, VAT અને NIના મુખ્ય દરો વધશે નહીં.
આ બજેટ સંપત્તિ, બચત, મિલકતમાંથી થતી આવકને પણ લક્ષ્ય બનાવે છે. બજેટમાં સૂચવાયેલા મુખ્ય ફેરફારોમાં એક નવો મેન્શન ટેક્સ / હાઇ વેલ્યુ હોમ સરચાર્જ છે. જે £2 મિલિયનથી વધુ મૂલ્યની પ્રોપર્ટી પર કાઉન્સિલ ટેક્સ ઉપરાંત લેવામાં આવશે. આ વાર્ષિક સરચાર્જ લગભગ £2,500થી શરૂ થશે અને £5 મિલિયનથી વધુ મુલ્યના મેન્શન માટે આશરે £7,500 સુધી વધશે અને ફુગાવાને આધિન તેમાં વધારો થશે.
પ્રોપર્ટીમાંથી થતી આવક, ડિવિડન્ડ અને બચત પરના ટેક્સમાં વધારો કરી સરકારની આવક વધારવામાં આવી રહી છે.
પેન્શન માટે સેલેરી સેક્રીફાઇસ સ્કીમનો ઉપયોગ કરનારાઓને અસર કરતી યોજના 2029થી લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ £2,000ની મર્યાદા રહેશે અને વધુ કમાણી કરનારાઓએ ટેક્સ ભરવો પડશે.
બચતના લાભોમાં ઘટાડો કરી 65 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું કેશ ISA માટેનું વાર્ષિક ભથ્થું ઘટાડીને £12,000 કરવામાં આવશે. જો કે તેની 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર કોઈ અસર નહીં પડે. આ પગલુ બચત કરનારા લોકોને બચતની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવા દબાણ કરશે.
આ બજેટનો હેતુ ફક્ત વેરો વધારી નવી આવક જ વધારવાનો જ નથી આ બજેટમાં સામાન્ય કમાણી કરનારાઓ અને પરિવારો માટે ઘણી રાહતો અને પ્રોત્સાહનો પણ સમાવાયા છે.
21 વર્ષથી વધુ વયના લોકો માટેનું લધુત્તમ વેતન 4.1% વધારીને £12.71 પ્રતિ કલાક થશે, જ્યારે 18થી 20 વર્ષના લોકોનું વેતન 8.5% વધારીને £10.85 પ્રતિ કલાક કરાયું છે. એપ્રેન્ટિસશીપ અને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોના પગારના દરોમાં પણ વધારો કરાયો છે.
લાંબા સમયથી જેની ટીકા કરાતી હતી તે યુનિવર્સલ ક્રેડિટ અને ટેક્સ ક્રેડિટ માટે બે બાળકોની મર્યાદાને રદ કરવામાં આવશે, જેના કારણે મોટા પરિવારો પરનું નાણાકીય દબાણ ઘટશે. જેનાથી 2029-30 સુધીમાં ટ્રેઝરીને £3 બિલિયનનો ખર્ચ થશે.
જીવનનિર્વાહના ખર્ચમાં રાહત મળે તે માટે એનર્જી બિલ પરની ગ્રીન લેવી રદ કરવામાં આવશે, જેનાથી ઘરો માટેના એનર્જી બીલમાં વાર્ષિક £150ની સરેરાશ બચત થશે.
દૂધ આધારિત પીણાં જેમ કે મિલ્કશેક અને કેનમાં વેચાતા પીણાં પર સુગર ટેક્સ લાદવામાં આવશે અને 100 મિલી દીઠ 5 ગ્રામથી ઘટાડીને સુગરની મર્યાદા 4.5 ગ્રામ કરવામાં આવશે.
ઈંગ્લેન્ડમાં રસ્તાના જાળવણી માટેનું ભંડોળ બમણું કરવા, ઈલેક્ટ્રિક કાર પર નવી એક્સાઈઝ ડ્યુટી લાગુ કરવામાં આવશે, જે વાહન એક્સાઈઝ ડ્યુટી સાથે ચૂકવવાપાત્ર હશે. ઈલેક્ટ્રિક કાર માટે પ્રતિ માઈલ 3 પેન્સ અને પ્લગ-ઈન હાઇબ્રિડ માટે 1.5 પેન્સ હશે.
બજેટમાં સેકન્ડરી સ્કૂલ્સના પુસ્તકાલયો માટે વધારાના £5 મિલિયન અને રમતના મેદાનોને અપગ્રેડ કરવા માટે £18 મિલિયન ફાળવવામાં આવ્યા છે.
આવકમાંથી £4.9 બિલિયનની બચત વધુ નર્સો અને GP એપોઇન્ટમેન્ટ પર ખર્ચવામાં આવશે. પેશન્ટ કેર અને 250 નવા સ્થાનિક પેશન્ટ હેલ્થ સેન્ટર્સને સુધારવા માટે ટેકનોલોજીમાં £300 મિલિયનનું રોકાણ કરવામાં આવશે.
2025-26માં સરકારનું ઉધાર £138.3 બિલિયન રહેવાની આગાહી છે, જે પછીના વર્ષે ઘટીને £112.1 બિલિયન, પછી 2027-28માં £98.5 બિલિયન, 2028-29માં £86.9 બિલિયન, 2029-30માં £67.9 બિલિયન અને 2030-31માં £67.2 બિલિયન થશે. તેનો અર્થ એ કે આવતા વર્ષે ઉધાર થોડું વધારે હશે, પરંતુ માર્ચ 2030ના અંત સુધીમાં તે આગાહી કરતા ઓછું રહેવાની આગાહી છે.
રીવ્સ કહે છે કે IMF અનુસાર યુકે આ સંસદના બાકીના ભાગમાં અન્ય કોઈપણ G7 અર્થતંત્ર કરતાં વધુ ઉધાર ઘટાડશે. તેણી કહે છે કે સરકારી નાણાકીય વર્ષ 2029માં £3.9 બિલિયન, તે પછીના વર્ષે £21.7 બિલિયન અને તે પછીના વર્ષે £24.6 બિલિયનના સરપ્લસ સુધી પહોંચશે.
આ બજેટમાં સરકારે જાહેર સેવાઓમાં વધુ રોકાણનું પણ વચન આપ્યું છે. જે અર્તર્ગત હેલ્થ સેન્ટર્સ, પ્રાદેશિક આવાસ અને માળખાગત સુવિધાઓ પર નવો ખર્ચ, અને રીટેઇલ, હોસ્પિટાલીટી અને SME ને મદદ કરવા માટે બિઝનેસ સપોર્ટ પેકેજ લાવવામાં આવશે.
સંતુલનની દ્રષ્ટિએ જોતાં સરકાર બજેટ દ્વારા “દરેકને યોગદાન આપવા” માટે કહે છે, જ્યારે ઓછી આવક ધરાવતા લોકોનું રક્ષણ કરે છે અને જ્યાં શક્ય હોય ત્યાં જીવનનિર્વાહના ખર્ચને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે.
ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR) ની સ્વતંત્ર આગાહી મુજબ, આ બજેટ યુકેમાં અગાઉના અંદાજ કરતાં નોંધપાત્ર રીતે વધુ નાણાકીય “હેડ રૂમ” છોડી દે છે જે ભવિષ્યમાં એનર્જીના ભાવમાં વધારો અથવા આર્થિક મંદી જેવા આંચકા સામે બફર બની રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન દેવું અને ઉધાર હવે ઘટવાની ધારણા છે તથા 2029-30 સુધીમાં ઉધાર સરપ્લસમાં ફેરવાઈ શકે છે.
જોકે, OBR એ મિશ્ર વૃદ્ધિની સંભાવનાઓ વિશે ચેતવણી આપી છે અને બજેટની યોજના હેઠળ, આગામી વર્ષોમાં આર્થિક વૃદ્ધિ વાર્ષિક આશરે 1.4-1.5% રહેવાની આગાહી કરવામાં આવી છે.
રોકાણકારોએ વધુ સ્થિર જાહેર નાણાકીય વચનનું સ્વાગત કરતાં બજેટને પગલે સ્ટર્લિંગ અને યુકે સરકારના બોન્ડના ભાવમાં સાધારણ વધારો થયો હતો.
આશ્ચર્યજનક રીતે, બજેટે રાજકીય વિવાદ ઉભો કર્યો છે. રાજકીય વિરોધીઓ દલીલ કરે છે કે થ્રેસહોલ્ડની મર્યાદા સ્થિર કરવી અને કરમાં વધારો કરવો એ “ચોરીથી કર વધારો કરવા સમાન’’ છે, જે સરકારના અગાઉના વચનોને નબળા પાડે છે.
ટીકાકારોએ ચેતવણી આપી છે કે મિલકત અને બચત પરના ઊંચા ટેક્સ રોકાણોને ઘટાડી શકે છે અને નાના મકાનમાલિકોને અસર કરી શકે છે જે ભાડા અને રહેઠાણની ઉપલબ્ધતા પર પણ અસર કરશે.
બીજી બાજુ, સમર્થકો કહે છે કે બજેટ જાહેર નાણાં સુરક્ષિત કરવા માટે એક વાસ્તવિક, સંતુલિત અભિગમ રજૂ કરે છે. નાણાકીય સ્થિરતા તરફ પાછા ફરવાનો સરકારનો દાવ ફળ આપે છે કે કેમ તે ભવિષ્યની ચૂંટણીઓ પહેલાં રાજકીય ચર્ચાઓને વ્યાખ્યાયિત કરશે.
ઓટમ બજેટ 2025 દ્વારા સરકારે એક બોલ્ડ જુગાર રમ્યો છે. જો વૃદ્ધિ અને રોકાણ યોજનાઓ સફળ થાય, તો યુકે મજબૂત નાણાકીય પાયો અને વધુ સંતુલિત સામાજિક સલામતી જાળ સાથે ઉભરી શકે છે. પરંતુ જો વૃદ્ધિ નિરાશાજનક બને છે – અથવા ફુગાવો અને ખર્ચનું દબાણ ચાલુ રહે છે – તો ઘણા ઘરો ઊંચા કર બોજ અને વધતા ખર્ચથી દબાયેલા જોવા મળી શકે છે.













