લેસ્ટરમાં 23 નવેમ્બર, 2025ના રોજ પીપુલ સેન્ટર ખાતે ઐતિહાસિક સ્મારક કાર્યક્રમમાં એસએસ તિલાવા દુર્ઘટનાની 83મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. કાર્યક્રમમાં ઇતિહાસની કરુણ ક્ષણના સાક્ષી બનવા 300થી વધુ લોકો ભેગા થયા હતા અને લગભગ 1,000થી વધુ લોકો ઓનલાઈન જોડાયા હતા. આ કાર્યક્રમમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિંદ મહાસાગરમાં જાપાની સબમરીન દ્વારા “ધ ઇન્ડિયન ટાઇટેનિક” તરીકે ઓળખાવવામાં આવતા જહાજને ટોર્પિડો કરવામાં આવ્યા બાદ 280 લોકોના જીવ ગુમાવ્યા હતા અને 678 બચી ગયેલા લોકોના પરાક્રમી બચાવની ઉજવણી કરવામાં આવી હતી.

તિલાવા 1942 હેરિટેજ પ્રોડક્શન્સ લિમિટેડ દ્વારા આયોજિત, ત્રણ કલાકના કાર્યક્રમમાં ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી બચી ગયેલા લોકોના ઇન્ટરવ્યુ અને ગ્રાઉન્ડબ્રેકિંગ ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિતોએ આ વર્ષની શરૂઆતમાં ભંગારની છબીઓ, એક પુનઃનિર્મિત જહાજ અને સમુદ્રના તળ પર સ્થાપિત સ્મારક તકતી જોઈ હતી.

જેમના પરિવારને સીધી અસર થઈ હતી તેવા સંસ્થાના સ્થાપક એમિલ સોલંકીએ સમારોહનું નેતૃત્વ કર્યું હતું. કાર્યક્રમમાં મહામહિમ લોર્ડ લેફ્ટનન્ટ માઈકલ કપૂર, લેસ્ટરના લોર્ડ મેયર અને યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ સમારોહમાં નવા સીમાચિહ્નો રજૂ થયા હતા જેમાંના એક શ્રીમતી સરોજબેન પટેલની શોધ થઇ હતી જેઓ ચોથા જીવીત વ્યક્તિ છે. તો મુસાફિર નામના સંગીત આલ્બમનું પ્રસિધ્ધ કરાયું હતું. આ ઉપરાંત ફીચર ફિલ્મ અને મ્યુઝિયમ જેવા ભવિષ્યના પ્રોજેક્ટ્સની જાહેરાતો કરાઇ હતી.

પરિવારોએ દુર્ઘટનાના પેઢીગત પ્રભાવને પ્રકાશિત કરતી ઊંડાણપૂર્વકની વ્યક્તિગત વાર્તાઓ શેર કરી હતી. દક્ષિણ આફ્રિકાના એસએસ તિલાવા ફાઉન્ડેશનનો એક ભાવનાત્મક વિડિઓ રજૂ કરાયો હતો.

દક્ષિણ આફ્રિકામાં સોના-ચાંદી સાથે લગભગ 1,000 મુસાફરો અને ક્રૂને લઈને નીકળેલું એસએસ તિલાવા જહાંજ તા.  23 નવેમ્બર, 1942ના રોજ ડૂબી ગયું હતું.

વધુ માહિતી માટે જુઓ www.tilawa1942.com

 

LEAVE A REPLY