(ANI Video Grab)

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવાર, 5 ડિસેમ્બરે નાણા નીતિની સમીક્ષા પછી તેના રેપો રેટને 5.5 ટકાથી 0.25 ટકા ઘટાડીને 5.25% કર્યો હતો. રિઝર્વ બેન્કે આર્થિક વૃદ્ધિને વેગ આપવાના પગલાં તરીકે વ્યાજદરમાં આ કાપ મૂક્યો હતો અને રૂપિયામાં ઘટાડા પર વધુ ધ્યાન આપ્યું ન હતું. ફેબ્રુઆરી 2025 પછી સેન્ટ્રલ બેંકે આની સાથે ચોથી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો.

સેન્ટ્રલ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાની આ જાહેરાતથી ભારતમાં લોન વધુ સસ્તી થશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. આરબીઆઈની નાણા નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસીય બેઠક બાદ સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્કે વિક્રમજનક નીચા ફુગાવા અને ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ ઘટાડા જેવી પરિબળોને પણ ધ્યાનમાં લીધા હતાં.

ફુગાવામાં નરમાઈને ધ્યાનમાં રાખીને MPCએ જૂનમાં મુખ્ય ધિરાણ દર 6%થી ઘટાડીને 5.5% કર્યો હતો. રેપો રેટમાં ઘટાડાથી હાઉસિંગ, ઓટો સહિતની લોનો સસ્તી થશે. આરબીઆઈને અપેક્ષા છે કે રિટેલ ફુગાવો તેના અગાઉના અંદાજ કરતાં વધુ નરમ રહેશે. કન્ઝ્યુમર પ્રાઇસ ફુગાવો (CPI) ફુગાવો અથવા છૂટક ફુગાવો નાણાકીય વર્ષ 2025-26 માટે 2%ની નીચે રહેવાનો અંદાજ છે.નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો દર ૩.૯% રહેવાનો અંદાજ છે, જે તેના અગાઉના ૪.૫%ના અંદાજ કરતા ઓછો છે.

RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો અંદાજ પણ તેના અગાઉના 6.8%થી વધારીને 7.3% કર્યો હતો. ચાલુ ક્વાર્ટર એટલે કે ઓક્ટોબર ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટર માટે GDPનો અંદાજ પણ અગાઉના 6.4%થી વધારીને 6.7% કરાયો હતો. ગયા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર 8.2 ટકાના ઊંચા સ્તરે રહી હતી. રેપો રેટ ઉપરાંત MPCએ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF)ને 5% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF)ને 5.5% કરી હતી.

 

LEAVE A REPLY