ઉત્તર ગોવાના આર્પોરામાં રવિવાર, 6 ડિસેમ્બરની મોડી રાત્રે લોકપ્રિય નાઈટક્લબ બિર્ચ બાય રોમિયો લેનમાં ભનાયક આગ ફાટી નીકળતા ઓછામાં આવા 25 પ્રવાસીઓના મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં છથી વધુ લોકો ઘાયલ પણ થયા હતાં. આ ક્લબમાં એક વિસ્ફોટ પછી આગની જ્વાળાઓએ થોડીક સેકન્ડોમાં જ આખી ઇમારતને ઘેરી લીધી હતી, જેના કારણે અંદર રહેલા લોકો માટે બચવા માટે બહુ ઓછો સમય બચ્યો હતો. મોટાભાગના મૃત્યુ ધુમાડાને કારણે ગૂંગળામણને કારણે થયા હતાં. મૃતકોમાં ચાર પ્રવાસીઓ અને 14 સ્ટાફ સભ્યોની ઓળખની પુષ્ટિ હતી.
આ ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી, શરૂઆતમાં પોલીસને શંકા હતી કે રસોડાના વિસ્તાર પાસે સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હશે. જોકે, તેને નકારી કાઢવામાં આવી છે. ગોવા પોલીસ મહાનિર્દેશક (DGP)ના જણાવ્યા અનુસાર, નિરીક્ષણ દરમિયાન સિલિન્ડરો અકબંધ હતા. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતાં. રાતભર બચાવ કામગીરી ચાલુ રહી હતી અને અધિકારીઓ મૃતકોની ઓળખ કરવા અને પરિવારોને જાણ કરવાની કામગીરી ચાલુ કરી હતી.
પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું છે કે તપાસમાં ક્લબના સલામતી પગલાં, ગેસ કનેક્શન સિસ્ટમ્સ અને તેની કટોકટીના સમયે બહાર નીકળવાની યોજનાની પણ તપાસ કરવામાં આવશે જેથી કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તે નક્કી કરી શકાય. ઘટનાસ્થળે અનેક ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતાં અને લગભગ બે કલાકની ભારે મહેનત બાદ આખરે આગ પર કાબુ મેળવી શકાયો હતો.
આ ઘટનાને “ખૂબ જ દુઃખદ” ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “ગોવાના આર્પોરામાં થયેલી આગ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદના તે બધા લોકો સાથે છે, જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે પરિસ્થિતિ વિશે વાતચીત કરી હતી. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે માહિતી આપી હતી કે અરપોરામાં આગની ઘટના બાદ છ લોકો ઘાયલ થયા હતી. આ છ ઘાયલોની હાલત હાલમાં સ્થિર છે અને તેમને ઉચ્ચતમ સ્તરની તબીબી સંભાળ મળી રહી છે.આર્પોરામાં થયેલી દુ:ખદ આગની ઘટનાના સંદર્ભમાં જે નાઈટક્લબમાં આગ લાગી હતી તેના માલિક અને જનરલ મેનેજર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. બંને વ્યક્તિઓની ધરપકડ કરાશે.











