મનોરંજન જગતના અત્યાર સુધીના સૌથી મોટા સોદામાં વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે હોલિવૂડની દિગ્ગજ કંપની વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના ટીવી, ફિલ્મ સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ ડિવિઝનને $72 બિલિયનમાં શુક્રવારે સંમતિ આપી હતી. આ સોદાના ભાગરુપે હોલીવુડની સૌથી કિંમતી અને જૂની સંપત્તિઓ ગણાતી વોર્નર બ્રધર્સનું નિયંત્રણ સ્ટ્રીમિંગ કંપનીને મળશે.
હોલિવૂડની કોઇ પટકથાની જેમ આ સોદામાં પણ ઘણા ઉતાર-ચડાવ આવ્યાં હતાં. તેની રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું હતું કે નેટફ્લિક્સ અને વોર્નર બ્રધર્સ વચ્ચે સૂચિત મર્જરની તેઓ પણ સમીક્ષા કરશે, કારણ કે સંયુક્ત એન્ટિટીનો બજાર હિસ્સો ચિંતા પેદા કરી શકે છે.
આ સમગ્ર ડીલ પૂર્ણ થવામાં 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે. નિષ્ણાતોના મતે આ ડીલ ભારતના સ્ટ્રીમિંગ ઉદ્યોગ માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. આ ડીલને કારણે ‘હેરી પોટર’ જેવી ફિલ્મો અને ‘ફ્રેન્ડ્સ’ તથા HBOના પ્રીમિયમ શો હવે નેટફ્લિક્સના અધિકારક્ષેત્રમાં આવી જશે. આ ડીલ હેઠળ WBD તેની ગ્લોબલ ટીવી નેટવર્ક (જેમ કે CNN, ડિસ્કવરી ચેનલ)ને ‘ડિસ્કવરી ગ્લોબલ’ નામની નવી કંપનીમાં અલગ કરશે. હોલિવૂડના સૌથી મોટા સ્ટુડિયોમાંથી એક, વોર્નર બ્રધર્સ, અને HBO તથા HBO Max જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર નેટફ્લિક્સનું નિયંત્રણ આવી જશે.
સૌથી મોટો ગેમ ચેન્જર ક્રિકેટના પ્રસારણ અધિકારો સાબિત થઈ શકે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ ડીલથી મજબૂત બનેલું નેટફ્લિક્સ, ભારતમાં જબરદસ્ત વૃદ્ધિ મેળવવા માટે 2027માં ક્રિકેટના પ્રસારણ અધિકારો ખરીદવા માટે બોલી લગાવી શકે છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ ડીલ પછી અન્ય પ્લેટફોર્મ્સે તેમની રણનીતિ બદલવી પડશે. તેમને હવે સ્પોર્ટ્સ રાઇટ્સ, પ્રાદેશિક ઓરિજિનલ કન્ટેન્ટ અને જાહેરાત-આધારિત મોડેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આનાથી સ્પર્ધા વધશે અને દર્શકોને કિંમત, પેકેજ અને સ્થાનિક વાર્તાઓમાં વધુ નવીનતા જોવા મળશે.














