ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં સોમવાર, 8 ડિસેમ્બરે સતત સાતમાં દિવસે કટોકટી ચાલુ રહી હતી. કંપનીએ સોમવારે વધુ 500 ફ્લાઇટ્સ રદ કરી હતી. પાયલટની અને અન્ય ક્રુ મેમ્બરની નોકરીના કલાક મર્યાદિત કરતાં નવા નિયમો મુજબ એરલાઇન તેના સ્ટાફની વ્યવસ્થા ન કરી શકતા સ્ટાફની અછતને કારણે આ સમગ્ર કટોકટી ઊભી થઈ હતી.
દેશભરમાં વિમાન મુસાફરી ઠપ બનતા સરકારે તાત્કાલિક નવા નિયમોમાં ઇન્ડિગોને રાહત આપવાની જાહેરાત કરી હતી. જોકે સરકાર પગલાં લે તે પહેલા અનેક ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરો રઝળી પડ્યા હતાં અને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે આજે (સોમવાર) ઇન્ડિગો ૧૩૮ સ્થળોમાંથી ૧૩૭ સ્થળોએ ૧,૮૦૨ ફ્લાઇટ્સ ચલાવવાની યોજના ધરાવે છે, જેમાં ૫૦૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. (ઉપરાંત) કુલ ૯,૦૦૦ બેગમાંથી ૪,૫૦૦ બેગ ગ્રાહકોને પહોંચાડવામાં આવી છે. (એરલાઇન) આગામી ૩૬ કલાકમાં બાકીની બેગ પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે.
ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે જણાવ્યું હતું કે 10-15 ડિસેમ્બર સુધી સ્થિતિ રાબેતા મુજબની ધારણા છે. દુઃખની બાબત એ છે કે છેલ્લા કેટલાંક દિવસોમાં અગાઉ લેવામાં આવેલા પગલાં પૂરતા સાબિત થયા નથી. તેથી અમે આજે અમારી બધી સિસ્ટમો અને સમયપત્રકને રીબૂટ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના પરિણામે અત્યાર સુધીની સૌથી અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ ઇન્ડિગોમાં કટોકટી ઊભી થવાના કારણોની વ્યાપક સમીક્ષા અને મૂલ્યાંકન કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિના સભ્યોમાં જોઈન્ટ ડિરેક્ટર જનરલ સંજય કે. બ્રહ્માણે, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અમિત ગુપ્તા, સિનિયર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર કેપ્ટન કપિલ માંગલિક અને ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર કેપ્ટન રામપાલનો સમાવેશ કર્યો છે. આ સમિતિ 15 દિવસમા DGCAને તેના તારણો અને ભલામણો સુપરત કરશે.
નવા નિયમોમાં પાયલટ્સના સાપ્તાહિક આરામના કલાકોને 12 કલાક વધારીને 48 કલાક કરાયા હતાં. આ ઉપરાંત રાત્રિના સમયે લેન્ડિંગને સાપ્તાહિક છથી ઘટાડીને માત્ર બે કરવામાં આવી હતી. ઇન્ડિગોએ મોટા પાયે ફ્લાઇટ રદ કરવા માટે ખોટી ગણતરી અને આયોજન ખામીઓને જવાબદાર ગણાવી હતી.
ઇન્ડિગોએ 5થી 15 ડિસેમ્બર વચ્ચે રદ થયેલી તમામ ફ્લાઇટ્સ માટે મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી. કંપનીએ રિફંડ આપવાની શરૂઆતપણ કરી હતી.














