શ્રીલંકાના અધિકારીઓએ રૂ.23.5 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ કેપ્ટન અર્જુન રણતુંગાની ધરપકડ કરવાની યોજના બનાવી રહ્યા છે. પેટ્રોલિયમ પ્રધાન તરીકેના રણતુંગાના કાર્યકાળ પર આ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે.
લાંચ અથવા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા માટેના કમિશનના જણાવ્યા અનુસાર રણતુંગા અને તેમના ભાઈ પર લાંબા ગાળાના તેલ ખરીદીના કરાર આપવાની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો આરોપ છે. તેમણે ઊંચા ભાવે ઓઇલની ખરીદી કરી હોવાનો આરોપ છે. તેનાતી સરકારને આશરે 800 મિલિયન શ્રીલંકન રૂપિયા (આશરે રૂ.23.5 કરોડ)નું નુકસાન થયું હતું. કમિશને કોલંબો મેજિસ્ટ્રેટ અસંગા બોદરાગામાને જણાવ્યું હતું કે રણતુંગા વિદેશમાં છે અને તેના પરત ફરતાં તેની ધરપકડ કરાશે.
રણતુંગાના મોટા ભાઈ ધમ્મિકા રણતુંગા જે તે સમયે રાજ્ય માલિકીની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન હતાં. તેમની સોમવારે ધરપકડ કરાઈ હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરાયા હતાં. મેજિસ્ટ્રેટે ધમ્મિકા પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો છે. ધમ્મિકા શ્રીલંકા અને અમેરિકા એમ બેવડું નાગરિકત્વ ધરાવે છે. કોર્ટમાં આગામી સુનાવણી 13 માર્ચે થશે. 62 વર્ષીય રણતુંગાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રીલંકા માટે 1996નો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.













