ગુજરાતમાં મતદાર યાદી ખાસ સઘન સુધારા ઝુંબેશ (SIR) પછી શુક્રવાર, 19 ડિસેમ્બરે ચૂંટણીપંચે જાહેર કરેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી આશરે 73.73 લાખ મતદારના નામ કપાયા હતાં. રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા અગાઉની 5.04 કરોડથી ઘટીને 4.34 કરોડ થઈ છે. યાદીમાં જેમના નામ કપાયા છે તેઓ 18 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકશે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) હરીત શુક્લાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સાફ કરવા માટે શરૂ કરાયેલી કવાયત બાદ કુલ 73.73 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી બાકાત કરાયા છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી મૃત મતદારો (૧૮,૦૭,૨૭૮), ગેરહાજર મતદારો (૯,૬૯,૬૬૨), કાયમી સ્થળાંતર કરનારા મતદારો (૪૦,૨૫,૫૫૩), બે જગ્યાએ નોંધાયેલા મતદારો (૩,૮૧,૪૭૦) અને અન્ય (૧,૮૯,૩૬૪) નામ કાઢી નાંખવામાં આવ્યાં છે.
SIR કવાયત 4 નવેમ્બરના રોજ ગુજરાતમાં શરૂ થઈ હતી અને 14 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી. બુથ લેવલ ઓફિસરે ડોર ટુ ડોર સર્વે કરીને આ અભિયાન હાથ ધર્યું હતું. અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા અને બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.
ડ્રાફ્ટ યાદીમાં નામની બાદબાકી થઈ છે તેવામાં મૃતક, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા અને બે જગ્યાએ નોંધાયેલા મતદારાનો નામ હતાં. મતદાર ચૂટણીપંચની વેબસાઇટ પર પોતાનું નામ છે કે નહીં તેની ચકાસણી કરી શકશે. નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકશે.














