ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકાના નાગરિક બની ચુકેલા કેટલાંક ઇમિગ્રન્ટ્સની નાગરિકતા છીનવી લેવાની યોજના બનાવી રહ્યું છે. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પછી કાયદેસરના આવા ઇમિગ્રન્ટને ટાર્ગેટ કરવાની આ હિલચાલથી એશિયન અને ભારતીય મૂળના હજારો લોકોને અસર થવાની ધારણા છે. આ યોજના હેઠળ 2026ના વર્ષના દર મહિને ઓછામાં ઓછા 100થી 200 ઇમિગ્રન્ટ્સની નાગરિકતા રદ કરવાનો આંતરિક આદેશ અપાયો છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના એક રીપોર્ટ મુજબ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ તેની તેની ફિલ્ડ ઓફિસોને નવું આંતરિક ગાઇડન્સ આપીને જણાવ્યું છે કે તેઓ 2026ના વર્ષમાં દર મહિને 100થી 200 ઇમિગ્રન્ટ્સ સામે નાગરિકતા છીનવી લેવાની કાર્યવાહી ચાલુ કરે.
રીપોર્ટમાં જણાવાયું હતું કે અમેરિકાના કાયદા મુજબ નાગરિકતા માટેની અરજી કરતી વખતે ફ્રોડ કરવામાં આવ્યો હોય તેવા લોકોની નાગરિકતા છીનવી શકાય છે. બીજી કેટલાંક કિસ્સામાં પણ નાગરિકતા રદ કરવાની જોગવાઈ છે. પરંતુ નવા ગાઇડન્સથી આધુનિક યુગમાં નાગરિકતા રદ કરવાની સૌથી મોટી કાર્યવાહી થઈ શકે છે. આ કાર્યવાહી દરમિયાન નાગરિકત્વના કાગળો પર અજાણતા ભૂલો કરી હોય તેવા કાયદાનું પાલન કરનારા અમેરિકનોમાં પણ ભયનું વાતાવરણ ઉભું કરી શકે છે. ગયા વર્ષે આશરે 8 લાખ નવા નાગરિકોએ શપથ લીધા હતાં, જેમાંથી મોટાભાગના મેક્સિકો, ભારત, ફિલિપાઇન્સ, ડોમિનિકન રિપબ્લિક અથવા વિયેતનામમાં જન્મેલા હતાં.













