ભારતમાં હાલમાં રમાઈ રહેલી વિજય હઝારે ટ્રોફીની પ્લેટ ગ્રુપની મેચમાં ગત 24 ડિસેમ્બરે ભારતના સેન્સેશનલ કિશોર બેટર વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 190 રન કરી એક સૌથી ઝડપી 150 રનનો એક નવો રેકોર્ડ કર્યો હતો. વૈભવે 15 છગ્ગા અને 16 ચોગ્ગા સાથે 154 રન તો એકલા બાઉન્ડરીઝમાં જ કર્યા હતા. તેની આ ધમાકેદાર ઈનિંગના પગલે બિહારની ટીમે 50 ઓવરમાં 574 રન ખડકી એક વધુ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.
14 વર્ષના બિહારના ઓપનર વૈભવની આ સદી લિસ્ટ A લિસ્ટ ક્રિકેટમાં ભારતીય ખેલાડીએ ફટકારેલી બીજી સૌથી ઝડપી સદી છે. ભારતીય રેકોર્ડ પંજાબના અનમોલપ્રીત સિંહના નામે છે, તેણે 2024માં આ જ ટીમ સામે 35 બોલમાં સદી ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ A ક્રિકેટમાં (વનડે મેચ) સૌથી વધુ ઝડપી 150 રનનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેને માત્ર 54 બોલમાં 150 રનનો આંકડો વટાવી દીધો હતો. આ મામલે તેણે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો હતો. એબીનો 64 બોલમાં 150 રનનો રેકોર્ડ હતો. વૈભવની આ સિદ્ધિ ખરેખર ઐતિહાસિક છે.












