
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું લાંબી માંદગી પછી ઢાકામાં ગુરુવાર, 30 ડિસેમ્બર 2025ના રોજ નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતાં, એમ તેમની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપીએ) જણાવ્યું હતું.
ખાલિદા ઝિયા લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગ સહિતની બીમારીથી પીડાતા હતાં અને છેલ્લાં દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. તેમના નિધન બાદ હવે BNPની કમાન લંડનથી પરત આવેલા તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ જેલની સજાના ડરથી શેખ હસીના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ છોડી જતાં હતા.
બાંગ્લાદેશના રાજકારણમાં ત્રણ દાયકાથી બે બેગમ વચ્ચે કટ્ટર રાજકીય હરિફાઈ રહી હતી. તેમાં શેખ હસીના વાજેદ (અવામી લીગ) અને બેગમ ખાલિદા ઝિયાનો સમાવેશ થતો હતો. બંને શક્તિશાળી મહિલાઓ એક સમયે સરમુખત્યારશાહી સામે લડી હતી, પણ પછી એકબીજાના હરિફ બન્યાં હતાં.
30 મે, 1981એ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને ખાલિદા ઝિયાના પતિ જનરલ ઝિયાઉર રહેમાનની ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરોએ હત્યા કરી હતી. તે સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતાં. પતિના અવસાન પછી તેમણે પતિએ સ્થાપેલી પાર્ટી BNPનું સુકાન સંભાળ્યું હતું.
1991માં ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતાં. ખાલિદા ઝિયા 2001થી 2006 સુધી ફરી સત્તામાં આવ્યાં હતાં. 1991થી 2024ના દરમિયાન બંને બેગમોના પક્ષની દુશ્મનાવટ ઉગ્ર બની હતી. બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચાર, આપખુદ શાસન અને હિંસા ફેલાવવાના આક્ષેપ મૂક્યા હતું. 2004માં શેખ હસીના પર ગ્રેનેડ હુમલો થયો, જેમાં 24 લોકો માર્યા ગયા. હસીનાએ આ હુમલા માટે ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનને દોષી ઠેરવ્યા હતાં. હસીના સરકાર જેલમાં નાંખી દેશે એવા ડરથી તારિક 2008માં લંડન ભાગી ગયા હતાં. 2018માં હસીના સરકારે ભ્રષ્ટાચારના કેસમાં ખાલિદા ઝિયાને જેલમાં બંધ કર્યાં હતાં.












