જર્મનીના ચાન્સેલર ફ્રેડરીચ મર્ઝ 12 જાન્યુઆરીથી બે દિવસ ભારતની મુલાકાતે જશે. તેઓ તેમના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે. સાબરમતી આશ્રમ ખાતે વડાપ્રધાન તેમનું સ્વાગત કરશે. અહીં બંન્ને મહાનુભાવો આશ્રમની મુલાકાત લેશે. મહાત્મા ગાંધીને શ્રદ્ધાસૂમન અર્પણ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન માટે જશે. બીજા દિવસે ચાન્સેલર બેંગલુરુના પ્રવાસે જશે.
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિતના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને લઇને વિશ્વના અનેક દેશો અમેરિકા સાથેના વ્યાપાર સંબંધોના વિકલ્પોને મજબૂત કરી રહ્યા છે તેના ભાગરૂપે જર્મની અને ભારત પણ ગત વર્ષથી વિવિધ સ્તરે ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચાના ભાગરૂપે તેમની અમદાવાદ મુલાકાત મહત્ત્વની રહેશે. જર્મન ચાન્સેલર ફ્રેડરીચ મર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમવારે સવારે ૧૧.૧૫ વાગે દ્વીપક્ષી બેઠક મહાત્મા મંદિર ખાતે યોજાશે. જેમાં જર્મની અને ભારત વચ્ચે વેપાર સંબંધોને મજબૂત કરવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા થશે અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે સકારાત્મક જાહેરાત થવાની સંભવના છે. બંન્ને નેતાઓ આ અંગે સંયુક્ત નિવેદન જાહેર કરશે તેવું અનુમાન છે.











