
ઈરાનના 50 દેશોમાં થઇ રહેલાં વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 62 થઈ છે. એક રીપોર્ટ મુજબ, અમેરિકાસ્થિત ‘હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ’ નામની સંસ્થા દ્વારા મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો છે. રીપોર્ટ મુજબ વિરોધ પ્રદર્શનો દરમિયાન ઓછામાં ઓછા 2300 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નબળા અર્થતંત્ર સામે લોકોમાં ગંભીર નારાજગી વ્યાપી છે. દેશના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખોમિની સરકારે ઈરાનમાં હાઈ એલર્ટ જાહેર કરીને એર સ્પેસ પર પણ પ્રતિબંધ મૂકયો છે. ઈરાનની પરિસ્થિતિ પર અમેરિકા પણ કડક નજર રાખી રહ્યું છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, જો ઈરાનમાં ગોળીબારીમાં કોઈ નિર્દોષનું મોત થશે અમેરિકા તરફથી કડક કાર્યવાહી કરાશે. ઈરાનના એક અધિકારી હસન રહીમપુર અઝગાદીએ દેશમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો અંગે અમેરિકાના વલણના જવાબમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવાનું સૂચન કર્યું છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું છે કે, જો ઇરાનમાં દેખાવકારો પરના હુમલા નહીં અટકે, તો ત્યાં હુમલો કરાશે. ઈરાનના સુપ્રીમો આયાતોલ્લા અલી ખામેનીએ છેલ્લાં બે સપ્તાહથી ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો અંગે શુક્રવારે આકરી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઇસ્લામિક રીપબ્લિક કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં.











