ભારતના પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમની ત્રણ વન-ડેની સીરીઝની પહેલી મેચમાં રવિવારે ભારતે પ્રવાસી ટીમને ચાર વિકેટે હરાવી સીરીઝનો વિજયી આરંભ કર્યો હતો. સુકાની શુભમન ગિલે ટોસ જીતી ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
ભારતીય બોલર્સ ખાસ પ્રભાવશાળી રહ્યા નહોતા અને ન્યૂઝીલેન્ડની ટીમે 8 વિકેટે 300 રન કરી ભારત સામે પડકારજનક ટાર્ગેટ મુક્યો હતો. ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડીએ 21.4 ઓવરમાં 117 રનની જબરજસ્ત શરૂઆત ટીમને આપી હતી. ડેવોન કોન્વેએ 56 તથા હેનરી નિકોલ્સે 62 તેમજ ડેરીલ મિચેલે 84 રન કર્યા હતા.
ભારત તરફથી ત્રણે ફાસ્ટ બોલર્સ – મોહમદ સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ બે-બે વિકેટ લીધી હતી. રાણા જો કે, હંમેશાની માફક સૌથી મોંઘો રહ્યો હતો, તેણે 10 ઓવરમાં 65 રન આપ્યા હતા. ક્રિષ્ણાએ પણ 9 ઓવરમાં 60 રન આપ્યા હતા.જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટે 306 રન કરી વિજય નોંધાવ્યો હતો.
ભારત તરફથી રોહિત શર્મા સારી શરૂઆત પછી 26 રન કરી વિદાય થયો હતો. એ પછી સુકાની શુભમન ગિલ સાથે વિરાટ કોહલી જોડાયો હતો અને બન્નેએ બીજી વિકેટની ભાગીદારીમાં 118 રન કર્યા હતા. ગિલ 56 રન કરી વિદાય થયો હતો, તો કોહલી સુંદર ફોર્મમાં હતો અને સદીની ખૂબજ નજીક હતો ત્યારે 93 રને કમનસીબે આઉટ થતાં ફક્ત સાત રન માટે સદી ચૂક્યો હતો.
ઉપસુકાની શ્રેયસ ઐયર પણ ફક્ત એક રને અડધી સદી ચૂક્યો હતો. હર્ષિત રાણા 23 બોલમાં 29 રન કરી વિદાય થયો ત્યારે ટીમ થોડી સંતોષપ્રદ સ્થિતિમાં આવી હતી અને કે. એલ. રાહુલે ધીરજપૂર્વક રમી 49મી ઓવરમાં છેલ્લા ત્રણ બોલે સતત બે ચોગ્ગા અને છેલ્લે છગ્ગો ફટકારી ટીમને વિજયની મંઝિલે પહોંચાડી દીધી હતી. વિરાટ કોહલીને તેની 93 રનની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.













