ચોરી
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડાના પીલ રિજનની પોલીસે સોમવારે દેશના ઇતિહાસમાં સૌથી મોટી સોનાની ચોરીના કેસમાં સોમવારે વધુ એક ભારતીયની ધરપકડ કરી હતી. આશરે 20 મિલિયન ડોલરથી વધુના મૂલ્યના ગોલ્ડ બાર્સની આ ચોરીની પોલીસ હાલમાં પ્રોજેક્ટ 24K હેઠળ તપાસ કરી રહી છે.

43 વર્ષીય અરસલાન ચૌધરીની ટોરોન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરાઈ હતી. ચૌધરી દુબઈથી ઉડાન ભરીને એરપોર્ટ પર ઉતર્યો ત્યારે આ કાર્યવાહી કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ચૌધરીનું કોઈ નિશ્ચિત સરનામું નથી. તેના પર $5,000થી વધુની ચોરી, ગુના દ્વારા મેળવેલી મિલકત પર કબજો રાખવા અને ગુનો કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

17 એપ્રિલ, 2023ના રોજ કેનેડાના ઇતિહાસની સૌથી મોટી ચોરીની ચકચારી ઘટના બની હતી. તે દિવસ સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિકથી ટોરોન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ફ્લાઇટ આવી હતી. જેમાં લગભગ ૪૦૦ કિલોગ્રામ શુદ્ધ સોનું હતું અને તેની કિંમત $૨૦ મિલિયનથી વધુ હતી. આ કાર્ગો શિપમેન્ટમાં $૨.૫ મિલિયન વિદેશી ચલણ પણ હતું. શિપમેન્ટને ઉતારીને એરપોર્ટ પ્રોપર્ટી પર એક અલગ સ્થળે લઈ જવામાં આવ્યું હતું, પરંતુ કલાકો પછી તે ગુમ થયાની જાણ કરાઈ હતી.

પોલીસે સરહદ પાર તપાસ શરૂ કરી હતી અને ચોરીના સંબંધમાં દસ લોકોની ઓળખ કરીને વોરંટ જારી કર્યા હતાં. તેમાં બ્રેમ્પટનના 33 વર્ષીય સિમરન પ્રીત પાનેસરનો પણ સમાવેશ થાય છે. એર કેનેડાના ભૂતપૂર્વ કર્મચારી પાનેસર હાલમાં ભારતમાં હોવાનું માનવામાં આવે છે. પાનેસરે એરલાઇન સિસ્ટમમાં છેડછાડ કરીને કાર્ગો શિપમેન્ટને ડાયવર્ટ કરવામાં મદદ કરી હોવાનું કહેવાય છે.ગયા વર્ષે તેને ચંદીગઢની બહારના વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં શોધી કાઢવામાં આવ્યો હતો. પાનેસર સામે કેનેડામાં ધરપકડ વોરંટ જારી કરાયું હતું.

અન્ય એક આરોપી બ્રામ્પટનનો રહેવાસી અર્ચિત ગ્રોવર છે. તેની મે 2024માં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતથી આવતા સમયે ધરપકડ કરાઈ હતી. આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓમાં એર કેનેડાના ભૂતપૂર્વ કર્મચારી 54 વર્ષીય પરમપાલ સિદ્ધુ અને ઓન્ટારિયોના 40 વર્ષીય અમિત જલોટાનો પણ સમાવેશ થાય છે.બ્રેમ્પટનના રહેવાસી ૩૬ વર્ષીય પ્રસથ પરમાલિંગમ અને ટોરોન્ટોના ૩૭ વર્ષીય અલી રઝાની પણ ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY