અમેરિકાએ 2025માં આશરે એક લાખ વિઝા રદ કર્યા હતાં. તેમાં આશરે 8,000 સ્ટુડન્ટ વિઝાનો પણ સમાવેશ થાય છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી અને અમેરિકાને સુરક્ષિત બનાવવાની વ્યાપક કાર્યવાહીને ભાગરૂપે આ હિલચાલ કરાઈ હતી.
સોમવારે અમેરિકાના વિદેશ વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે અમેરિકાને સુરક્ષિત રાખવા માટે આ ગુંડાઓને દેશનિકાલ કરવાનું ચાલુ રાખીશું. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકા ફર્સ્ટ નીતિ ચાલુ રાખશે અને રાષ્ટ્રને એવા વિદેશી નાગરિકોથી સુરક્ષિત રાખશે, જેઓ જાહેર સલામતી અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે.
વિદેશ વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે એક વર્ષથી ઓછા સમયમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે 100,000થી વધુ વિઝા રદ કર્યા છે. તેમાં હુમલો, ચોરી અને નશામાં વાહન ચલાવવા સહિતના ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવેલા હજારો વિદેશી નાગરિકોના રદ કરાયેલા વિઝાનો સમાવેશ થાય છે.
ફોક્સ ન્યૂઝના રીપોર્ટ મુજબ 2025માં રદ કરાયેલા વિઝાની સંખ્યા 2024ની સરખામણીમાં બમણી છે. બાઇડન સરકારના અંતિમ વર્ષ 2024માં 40,000 વિઝા રદ કરાયા હતા. 2025માં મોટાભાગે બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા પર આવેલા અને મુદત કરતાં વધુ સમય અમેરિકામાં રહેલા લોકોના વિઝા રદ કરાયા હતા. આ ઉપરાંત 8,000 સ્ટુડન્ટ વિઝા અને 2,500 સ્પેશ્યલ વિઝા પણ રદ કરાયા હતાં. રિપોર્ટમાં જણાવાયું હતું કે ડ્રગ્સ રાખવા અને વિતરણ કરવા બદલ લગભગ 500 વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા હતાં જ્યારે સેંકડો વિદેશી કામદારોએ તેમના વિઝા ગુમાવ્યા હતા કારણ કે તેઓ “બાળકોનું શોષણ” કરતા હોવાનું માનવામાં આવતું હતું.













