મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતના શહેરોમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના ગઠબંધનનો શુક્રવારે ભવ્ય વિજય થયો હતો. અવિભાજિત શિવસેનાના લગભગ ત્રણ દાયકા જૂના વર્ચસ્વને તોડીને ભાજપ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો અને પુણેમાં પણ વિજય મેળવ્યો મેળવ્યો હતો.
ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને BMCમાં 227માંથી લગભગ 125 બેઠકો પર વિજય મેળવ્યો હતો. મુંબઈ ભારતની સૌથી ધનિક નાગરિક સ્વરાજ્યની સંસ્થા છે, જેનું 2025-26 માટેનું બજેટ રૂ.74,427 કરોડ હતું. આ બજેટ દેશના ઘણા નાના રાજ્યોના બજેટ કરતાં પણ મોટું છે.
મુંબઈ અને પુણે સહિત 28 અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓની મતગણતરી શુક્રવારે યોજાઈ હતી. BMCની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે દાયકા પછી ફરી એકજૂથ થયા હતાં, પરંતુ તેમની આશાઓ ઠગારી નીવડી હતી. પુણે અને પડોશી પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો હતો.
ભાજપનું ‘મિશન મુંબઈ’ની સફળતા થતાં આર્થિક રાજધાનીમાં તેના વર્ચસ્વમાં વધારો થયો છે. આ પરિણામ મુંબઈના સત્તા માળખામાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે, કારણ કે વર્ષોથી BMCને ઠાકરે પરિવારની શિવસેનાનો અજેય ગઢ માનવામાં આવતો હતો.
કોંગ્રેસે લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો અને ભાજપ બીજા સ્થાને રહી ગયો હતો.
મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે એક દિવસ પહેલા યોજાયેલી ચૂંટણીમાં 54.77 ટકા મતદાન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ, મુંબઈમાં ૫૨.૯૪ ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. તેમાં થાણે, કલ્યાણ-ડોમ્બિવલ, નવી મુંબઈ, ઉલ્હાસનગર, ભિવંડી નિઝામપુર, વસઈ-વિરાર, પનવેલ , નાશિક, માલેગાંવ, અહિલ્યાનગર, પુણે, પિંપરી-ચિંચવાડ, સોલાપુર, કોલ્હાપુર, સાંગલી-મિરાજ-કુપવાડ, છત્રપતિ સંભાજીનગર, અમરાવતી, અકોલા, નાગપુર, ચંદ્રપુર અને જાલના વગેરેનો સમાવેશ થાય છે.













