ટેરિફ

ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા સામે $108 બિલિયનની વળતી ટેરિફ લાદવાની યુરોપ વિચારણા કરી રહ્યું હોવાનો ફાઇનાન્શિયલ ટાઇમ્સના રવિવારના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. આ સપ્તાહે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ દરમિયાન અમેરિકાના પ્રેસિડન્ટ અને યુરોપના નેતાઓ વચ્ચે બેઠક પહેલા યુરોપ વળતા પગલાંની વિચારણા કરી રહ્યું છે.

ગ્રીનલેન્ડ હસ્તગત કરવાના વધુ એક પગલાંમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી ફેબ્રુઆરી 2026થી યુકે સહિતના યુરોપ અને નાટો (નોર્થ એટલાન્ટિક સંધિ સંગઠન)ના આઠ સાથી દેશો પર 10 ટકા વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ગ્રીનલેન્ડ કબજે કરવાના અમેરિકાના પ્રયાસોનો વિરોધ કરવા બદલ આ દેશો પર ટેરિફ લાદી છે. પ્રેસિડન્ટે ટ્રુથ સોશિયલ મીડિયા સાઇટ પર કરેલી આ જાહેરાત મુજબ ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ અને ફિનલેન્ડને આ ટેરિફ લાગું પડશે.

ટ્રમ્પે વધુમાં ધમકી આપી હતી કે તે ટેરિફ 1 જૂનથી વધી 25% થશે અને જ્યાં સુધી અમેરિકા ગ્રીનલેન્ડ ખરીદવાનો સોદો કરવામાં સફળ ન થાય ત્યાં સુધી આ ટેરિફ અમલી રહેશે. બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મરે ટ્રમ્પની ધમકીની આકરી નિંદા કરતાં X પર કહ્યું હતું કે તેમનો દેશ આ મુદ્દો સીધો વોશિંગ્ટન સમક્ષ ઉઠાવશે. નાટોના સાથી દેશો પર ટેરિફ લાગુ કરવો સંપૂર્ણપણે ખોટું છે.

અમેરિકાએ યુકે સહિતના યુરોપના આ દેશો સાથે ટેરિફ સમજૂતી કરેલી હોવા છતાં ટ્રમ્પે આ નવી જાહેરાત કરી હતી. આ સપ્તાહની શરૂઆતમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ આર્કટિક ટાપુ અમેરિકાના હાથમાં હોવા કરતાં ઓછું કંઈપણ અસ્વીકાર્ય રહેશે. અગાઉ અમેરિકાએ ગ્રીનલેન્ડની ખરીદવાની ઓફર કરી હતી. જોકે ગ્રીનલેન્ડ અને ડેનમાર્કે આ ઓફર ફગાવી દીધી હતી. ગ્રીનલેન્ડની વસ્તી આશરે 57,000 લોકોની છે. ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે વ્હાઇટ હાઉસ હાલમાં વિવિધ યોજનાની ચર્ચાવિચારણા કરી રહ્યું છે, જેમાં મિલિટરી ઓપરેશનનો પણ સમાવેશ થાય છે.

ગ્રીનલેન્ડ દુર્લભ ખનીજોથી સમૃદ્ધ છે, જેનો ઉપયોગ મોબાઇલ ફોન, કમ્પ્યુટર અને બેટરી જેવા હાઇ-ટેક ઉપકરણોમાં થાય છે. હાલમાં, આ મહત્વપૂર્ણ ખનીજોના સપ્લાય પર ચીનનું વર્ચસ્વ છે. આ ઉપરાંત ગ્રીનલેન્ડ વ્યૂહાત્મક સ્થાને આવેલું છે. ગ્રીનલેન્ડનું લગભગ 80% ક્ષેત્ર આર્કટિક સર્કલની ઉપર છે, જે આર્કટિક સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. ક્લાઈમેટ ચેન્જને કારણે બરફ પીગળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં રશિયા અને ચીન જેવી શક્તિઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે.

LEAVE A REPLY