ટ્રમ્પ

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 22 જાન્યુઆરીએ અગ્રણી બેંક જેપી મોર્ગન ચેઇઝ અને તેના સીઈઓ જેમી ડિમોન પર પાંચ બિલિયન ડોલરનો દાવો કર્યો હતો. ટ્રમ્પનો આરોપ છે કે, જેપી મોર્ગને જાન્યુઆરી 2021માં તેમણે પ્રેસિડેન્ટ પદ છોડ્યા પછી રાજકીય કારણોસર તેમના અને તેમના બિઝનેસના એકાઉન્ટ્સને બંધ કર્યા હતા. ફ્લોરિડામાં મિયામી-ડેડ કાઉન્ટીની કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં આરોપ મુકવામાં આવ્યો છે કે, જેપી મોર્ગને ફેબ્રુઆરી 2021માં માત્ર 60 દિવસની નોટિસ અને કોઈ સ્પષ્ટતા આપ્યા વગર અચાનક જ વિવિધ પ્રકારના એકાઉન્ટસ બંધ કરી દીધા હતા. આથી ટ્રમ્પનો દાવો છે કે જેપી મોર્ગન અને ડિમોને પ્રેસિડેન્ટ અને તેમના બિઝનેસમાંથી મોટી રકમ કાપી હતી અને તેથી તેમની કામગીરીમાં પણ અડચણો ઊભી થઇ હતી. આ ઉપરાંત તેમણે ટ્રમ્પ અને બિઝનેસીઝને તાત્કાલિક અન્ય બેંક એકાઉન્ટ ખોલાવવા દબાણ કર્યું હતું. આ અંગે એક નિવેદનમાં, જેપી મોર્ગને જણાવ્યું હતું કે, ટ્રમ્પે બેંક પર કેસ કર્યો તે બદલ તેઓ ‘દિલગીર’ છે પરંતુ બેંકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે રાજકીય કારણોસર એકાઉન્ટ બંધ કર્યા નહોતા.

LEAVE A REPLY