કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાગ્યુદ્ધ થયું હતું. ક્યુબેક સિટીમાં કેબિનેટ રિટ્રીટ અગાઉ એક સંબોધનમાં, કાર્નીએ જણાવ્યું હતું કે, ‘કેનેડા અને અમેરિકાએ અર્થતંત્રમાં, સુરક્ષામાં અને સમૃદ્ધ સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં નોંધપાત્ર સંબંધો ઊભા કર્યા છે. પરંતુ કેનેડા અમેરિકાની મહેરબાની પર જીવતું નથી.’
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘કેનેડા કેનેડિયનનોને કારણે આગળ વધ્યું છે.’
કાર્નીએ આ ટિપ્પણી તાજેતરમાં દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટમાં ટ્રમ્પ દ્વારા કેનેડિયન વડાપ્રધાનના સંબોધન પર આક્રમક પ્રતિભાવ આપ્યા પછી કરી હતી. ટ્રમ્પે દાવોસમાં જણાવ્યું હતું કે, ‘મેં ગઈકાલે તમારા વડાપ્રધાનને જોયા હતા. તેઓ એટલા કૃતજ્ઞ નહોતા, તેમણે અમેરિકા, કેનેડાનો આભારી રહેવું જોઈએ. કેનેડા, અમેરિકાના કારણે જીવતું છે.’ જોકે, ટ્રમ્પ આવે તે પહેલાં કાર્ની સમિટના સ્થળેથી નીકળી ગયા હતા.













