નવરચિત વાવ-થરાદ જિલ્લામાં તા.૨૬ જાન્યુઆરીના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
આ અંગે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ થરાદમાં જણાવ્યું હતું કે, સવારે ૯.૦૦ વાગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમો યોજાશે. ૨૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ વાગે મુખ્યમંત્રીનું આગમન થશે. આ દિવસે સેવા સદનનું ભૂમિપૂજન, ગૌમાતા સર્કલનું અનાવરણ, દૂધવા જીઆઇડીસીનું ભૂમિપૂજન, નારી સશક્તિકરણ કાર્યક્રમ, ગૌભક્તો સાથે મુખ્યમંત્રીનો સંવાદ તેમજ ગાયત્રી મંદિરમાં શસ્ત્ર પ્રદર્શન જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત, તા. ૨૫ જાન્યુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે “એટ હોમ” કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગ્રામ્ય કક્ષાએ પણ લોકો વિશાળ પ્રમાણમાં સહભાગી બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામમાં શાળા અને ગ્રામ પંચાયત કક્ષાએ ઉજવણી થાય તે માટે વહીવટીતંત્ર તથા પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઉજવણી દરમિયાન સ્વચ્છતા અને રોશની માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ઉજવણીના ભાગરૂપે તા. ૨૨ જાન્યુઆરીએ ચેતક કમાન્ડોની મોકડ્રીલ યોજાઈ હતી. જ્યારે તા. ૨૩ અને ૨૪ જાન્યુઆરીના રોજ સવારે ૫.૦૦ વાગે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.











