જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ઇન્ડિયન આર્મીની બુલેટપ્રૂફ ટ્રક ઊંડી ખીણમાં પડી જતાં 10 જવાનો શહીદ થયા હતા અને 11 જવાનો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ભદરવાહ–ચંબા ઈન્ટર-સ્ટેટ રોડ પર 9000 ફૂટ ઊંચાઈ પર ખન્ની ટોપ ખાતે બપોરે 12 વાગ્યા આસપાસ બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે સેનાના બુલેટપ્રૂફ ટ્રકમાં કુલ 21 જવાનો હતા અને વાહન ઊંચાઈ પર આવેલી એક ચોકીની તરફ જઈ રહ્યું હતું. ડ્રાઈવરે ટ્રક પરથી નિયંત્રણ ગુમાવ્યું અને ટ્રક અંદાજે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, સેના અને પોલીસે તરત જ બચાવ અભિયાન શરૂ કર્યું હતું. રાજ્યના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ અકસ્માત અંગે અત્યંત શોક વ્યક્ત કર્યો છે.
મનોજ સિંહાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ડોડામાં દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં આપણી સેનાના બહાદુર 10 જવાનોએ જીવ ગુમાવ્યા તેનાથી હું અત્યંત વ્યથિત છું. સૈનિકોની અસાધારણ સેવા અને સર્વોચ્ચ બલિદાન માટે દેશ હંમેશા તેમને યાદ રાખશે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ડોડા અને ભદ્રવાહ વિસ્તાર તેની દુર્ગમ પહાડીઓ અને જોખમી વળાંકો માટે જાણીતો છે. શિયાળાની ઋતુમાં તથા ઊંચાઈવાળા વિસ્તારોમાં વાહન ચલાવવું ખૂબ પડકારજનક બની જાય છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વાહનચાલક દ્વારા નિયંત્રણ ગુમાવતાનું હોવાનું અગાઉ પણ બન્યું છે.

LEAVE A REPLY