(@NarendraModi/YT via PTI Photo)

નવી દિલ્હીમાં ભવ્ય કર્તવ્ય પથ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધા પછી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને સોમવારે જણાવ્યું હતું કે એક સફળ ભારત વિશ્વને વધુ સ્થિર, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવે છે.

વોન ડેર લેયેને સમારોહ પછી સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનવું એ જીવનભરનું સન્માન છે. સફળ ભારત વિશ્વને વધુ સ્થિર, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવે છે અને આપણે બધાને લાભ થાય છે. આ પહેલી વાર હતું જ્યારે યુરોપિયન યુનિયન (EU)ના બે ટોચના નેતાઓ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં.કર્નલ ફ્રેડરિક સિમોન સ્પ્રુઇજટના નેતૃત્વમાં એક નાની EU લશ્કરી ટુકડીએ પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો.

કોસ્ટા અને વોન ડેર લેયેન એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર મંત્રણા કરશે.

ભારતની મુલાકાતના થોડા દિવસો પહેલા યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને મંગળવારે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારીમાં છે. તેનાથી બે અબજ લોકોનો સમાવેશ કરતું એક બજાર બનશે અને તે વૈશ્વિક જીડીપીના આશરે 25 ટકાને આવરી લેશે.

યુરોપિયન યુનિયન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. 2023-24ના નાણાકીય વર્ષમાં બંને વચ્ચે 135 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. મુક્ત વેપાર કરારથી સંખ્યાબંધ ક્ષેત્રોમાં વેપાર સંબંધોને વેગ મળશે અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફનો સામનો કરવામાં મદદ મળશે. મુક્ત વેપાર કરાર ઉપરાંત બંને પક્ષો શિખર સંમેલનમાં ડિફેન્સ ફ્રેમવર્ક કરાર અને વ્યૂહાત્મક એજન્ડાનું પણ અનાવરણ કરે તેવી શક્યતા છે.

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક સંબોધનમાં વોન ડેર લેયેને હાલના ભૌગોલિક-રાજકીય આંચકા અને 27-રાષ્ટ્રોનું યુરોપિયન યુનિયન તેની કેવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યું છે તેની વિગતાવાર માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તકનો લાભ લેવાનો અને એક નવા સ્વતંત્ર યુરોપનું નિર્માણ કરવાનો સમય આવી ગયો છે.

LEAVE A REPLY