નવી દિલ્હીમાં સોમવાર, 27 જાન્યુઆરીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મુખ્ય મહેમાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (DPR PMO/ANI Photo)

ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની નવી દિલ્હીના કર્તવ્ય પથ પર સાંસ્કૃતિક વિવિધતા, આર્થિક વિકાસ અને લશ્કરી તાકાતના ભવ્ય પ્રદર્શન સાથે થઈ હતી. પ્રજાસત્તાક દિનની પરેડમાં મિસાઇલો, યુદ્ધ વિમાનો, નવા ઉભા કરાયેલા એકમો અને ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગમાં લેવાયેલી ઘાતક શસ્ત્ર પ્રણાલીઓનું પ્રદર્શન કરાયું હતું.

યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય અતિથિઓ તરીકે ઉજવણીમાં હાજર રહ્યાં હતાં,  જે લશ્કરી પ્રદર્શનની સાથે એક મહત્વપૂર્ણ રાજદ્વારી ક્ષણ પણ બની હતી.

આ સમારંભની મુખ્ય થીમ ‘વંદે માતરમ’ના 150 વર્ષની ઉજવણી હતી.  જોકે ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરને પણકર્તવ્ય પથ પરની પરેડમાં મહત્વ મળ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કોસ્ટા અને વોન ડેર લેયેન ભારતીય રાષ્ટ્રપતિના અંગરક્ષકો સાથે, પરંપરાગત બગીમાં કર્તવ્ય પથ પર પહોંચ્યા પછી તરત જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સલામી લઈને પરેડની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અન્ય ઘણા કેન્દ્રીય પ્રધાનો, દેશના ટોચના લશ્કરી અધિકારીઓ, વિદેશી રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ આ સમારંભમાં સામેલ થયા હતાં.

પરેડમાં બ્રહ્મોસ અને આકાશ શસ્ત્ર પ્રણાલીઓ, રોકેટ લોન્ચર ‘સૂર્યાસ્ત્ર’, મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુન સહિતના હથિયારોનું પ્રદર્શન કરાયુ હતું. ‘વિવિધતામાં એકતા’ થીમ પર યોજાયેલી આ પરેડમાં લગભગ 100 કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં રાષ્ટ્રની એકતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા દર્શાવતા સંગીતનાં સાધનોની ભવ્ય રજૂઆત કરાઈ હતી. આ પરેડમાં યુરોપિયન યુનિયનની એક લશ્કરી ટુકડી પણ સામેલ થઈ હતી. યુરોપની બહાર આવા કાર્યક્રમમાં યુરોપિયન યુનિયનની આ પહેલી ભાગીદારી હતી.

 

LEAVE A REPLY