
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ વચ્ચે ભારત અને યુરોપે મંગળવાર, 27 જાન્યુઆરીએ એક મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર (એફટીએ)ની જાહેરાત કરી હતી. ઘણા લોકોને આ કરારને મધર ઓફ ડીલ્સ તરીકે ઓળખાવી રહ્યાં છે. બંને પક્ષોએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી કરાર અને મોબિલિટી કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતાં.
27 દેશોના બ્લોકના ટોચના નેતાઓ ઉર્સુલા વોન ડેર લેયેન અને એન્ટોનિયો કોસ્ટા સાથે શિખર મંત્રણા કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે ભારતે યુરોપિયન યુનિયન સાથે તેના ઇતિહાસમાં સૌથી મોટો મુક્ત વેપાર કરાર (FTA) પૂર્ણ કર્યો છે. આ ફક્ત એક વેપાર કરાર નથી. આ સહિયારી સમૃદ્ધિ માટે એક નવી બ્લુપ્રિન્ટ છે. ભારત અને યુરોપની ભાગીદારીથી વિશ્વને મદદ મળશે.
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ કોસ્ટાએ જણાવ્યું હતું કે ભારત અને EUએ વેપાર, સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધો જેવા ક્ષેત્રોમાં તેમના સંબંધોમાં નવો અધ્યાય” શરૂ કર્યો છે.વેપાર કરારો નિયમો-આધારિત આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવે છે અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. તેથી જ આજના મુક્ત વેપાર કરારનું ઐતિહાસિક મહત્વ છે. તે અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી કરારોમાંનો એક છે.
વોન ડેર લેયેને કહ્યું હતું કે અમે મધર ઓફ ઓલ ડીલ્સને સફળતાપૂર્વક સંપન્ન કરી છે. લાંબા સમયથી રાહ જોવાતી FTA દ્વિપક્ષી જોડાણના એકંદર માર્ગને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવા માટે તૈયાર છે કારણ કે તે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે નવી તકો ખોલશે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના ઐતિહાસિક ટ્રેડ ડીલની મંત્રણાઓ સફળતાપૂર્વક સંપન્ન થયાનું ભારતના કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે જાહેર કર્યું હતું. આ કરાર હેઠળ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે દ્વિપક્ષી વેપારમાં, મૂડીરોકાણના પ્રવાહમાં તેમજ બન્ને પક્ષે આર્થિક સંકલનમાં જબરજસ્ત વધારો થવાની ધારણા છે. ભારતના વેપાર અને વાણિજ્ય ખાતાના પ્રધાન પિયુષ ગોયલે આ કરારને ભારતે અત્યાર સુધીમાં કરેલા તમામ કરારોની માતા સમાન ગણાવ્યો હતો, જે કરારના કદ અને તેના વ્યૂહાત્મક મહત્ત્વનો નિર્દેશ કરે છે.
આ કરાર માટેની વાટાઘાટો ઘણો લાંબો સમય ચાલી હતી. તેનો આરંભ 2007માં થયો હતો અને 2013 સુધી ચાલ્યા પછી તે સ્થગિત થઈ ગઈ હતી. એ પછી 2022માં વાટાઘાટો ફરી શરૂ કરાઈ હતી.
ઉર્સુલાએ વધુમાં કહ્યું હતું કે, ભારત-ઈયુ વચ્ચેનો કરાર યુરોપને ફર્સ્ટ મુવર લાભ આપશે, કારણ કે ભારત અને યુરોપ વિશ્વના સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અને સૌથી વધુ ગતિશિલ કોન્ટીનેન્ટ્સ છે. યુરોપ આજના વૃદ્ધિના કેન્દ્રો તેમજ વર્તમાન આર્થિક પાવર હાઉસીસ સાથે વેપાર-કારોબાર કરવા ઉત્સુક છે.
હાલમાં પણ યુરોપિયન યુનિયન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે, નાણાકિય વર્ષ 2023-24માં બન્ને પક્ષો વચ્ચેનો વેપાર 135 અબજ અમેરિકન ડોલર્સનો રહ્યો હતો.
ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીએ કેટલાક જાણકાર સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, 15,000 યુરો (17,740 અમેરિકન ડોલર્સ) થી વધુની આયાતી કિમત ધરાવતી, વાર્ષિક બે લાખની સંખ્યા મર્યાદામાં યુરોપિયન કાર્સની આયાત ઉપરની ડ્યુટી હાલના 110 ટકાથી ઘટાડીને 40 ટકા કરવા ભારતે સંમતિનો સંકેત આપી જ દીધો છે, જો કે તેમાં છેલ્લી ઘડીએ કોઈક ફેરફાર થઈ શકે છે. ખાસ તો, હાલના તબક્કે, આ રાહત કમ્બશ્ચન એન્જિન ધરાવતી કાર્સ માટે જ રહેશે, ઈવી માટે નહીં.
24 પ્રકરણના આ કરારમાં માલસામાન અને સેવાઓ તેમજ મૂડીરોકાણના પરસ્પર વેપારનો સમાવેશ કરાયો છે. આ કરારના પગલે ભારતીય નિકાસકારોનું પરંપરાગત બજારો ઉપરનું અવલંબન ઘટાડશે, તેમના માટેની બજારમાં વૈવિધ્ય લાવશે અને સાથે સાથે ચીન ઉપરનું અવલંબન પણ ઘટાડશે.












